સલામતીના કારણસર સારિકા જોગડિયા પરિવારે બહુમાનના કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળ્યું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : ભીંડીબજારમાં રહેતી સારિકા જોગડિયા નામની ગુજરાતી દલિત યુવતીના પરિવારને કહેવાતી લઘુમતી કોમના કેટલાક લોકો દ્વારા સતામણી કરીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. તેને ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા અને તેમના સાથી કાર્યકરોએ ન્યાય અપાવવા ઘણી જહેમત ઉઠાવી હતી.
તેના પગલે ભાજપના મુંબઈ એકમના સેલના અધ્યક્ષ સંજીવ પટેલ અને સાથી કાર્યકરો દ્વારા મંગલ પ્રભાત લોઢાના બહુમાન માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમ છતાં પોલીસે પીડિત સારિકા જોગડિયા અને તેના પરિવારને સલામતીના કારણોસર ઘર નહીં છોડવાની અને પોતે રહે છે તે જગ્યાની વિગતો જાહેર નહીં કરવાની સલાહ આપી હતી. તેના પગલે સારિકા જોગડિયા અને તેના પરિવારજનોએ ભાજપના ગુજરાતી સેલ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં આવવાનું ટાળ્યું હતું.
ભાજપના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે કાયદાવિરોધી તત્ત્વો વિરુદ્ધ ન્યાય માટે બહાદુરીપૂર્વક લડત ચલાવનાર સારિકા જોગડિયા અને તેનો પરિવાર બહુમાનનો સાચો હકદાર છે એમ લોઢાએ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં ભાજપના અને મેઘવાળ સમાજના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust