કામદાર નેતા ડૉ. શાંતિ પટેલની જન્મ શતાબ્દી નિમિત્તે સોમવારે ચોકનું નામકરણ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : સ્વાતંત્ર્યસૈનિક, મુંબઈના ભૂતપૂર્વ મેયર, વરિષ્ઠ કામદાર નેતા અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી  સ્વ. ડૉ. શાંતિ પટેલનું નામ ઓરેન્જ ગેટ પ્રિન્સેસ ડૉક પાસેના તથા રેલવે પોલીસ કમિશનર બિલ્ડિંગ પાસેના `ટી' ચોકને મહાપાલિકા તરફથી આપવામાં આવશે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ડૉક ઍન્ડ જનરલ એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા ડૉ. શાંતિ પટેલ જન્મ શતાબ્દી નિમિત્તે ચોકનો નામકરણ સમારંભ આઠમી અૉગસ્ટે સવારે 11 વાગ્યે ટી જંકશન, પી ડિમેલો રોડ, રેલવે પોલીસ કમિશનર અૉફિસ પાસે, ઓરેન્જ ગેટ પ્રિન્સેસ ડૉક પાસે, વાડીબંદરમાં યોજાશે. 
નામકરણ સમારંભ ઍડ. એસ. કે. શેટયેની અધ્યક્ષતામાં યોજાશે. આ પ્રસંગે મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર, કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન મિલિંદ દેવરા, સ્થાનિક વિધાનસભ્ય અમિન પટેલ, ભૂતપૂર્વ નગરસેવક જ્ઞાનરાજ નિકમ, રેલવે પોલીસ કમિશનર કૈસર ખાલિદ, જે. જે. હૉસ્પિટલના ડીન ડૉ. પલ્લવી સાપળે, મુંબઈ મહાનગર પાલિકાના બી વૉર્ડના આસિસ્ટન્ટ કમિશનર ધનાજી હેર્લેકર, ડોંગરી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શબાના શેખ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ડૉક ઍન્ડ જનરલ એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી સુધાકર અપરાજ, કાર્યાધ્યક્ષ ડૉ. યતીન પટેલ  તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
જન્મ શતાબ્દી નિમિત્તે આ જ દિવસે બપોરે 2.30થી સાંજે પાંચ વાગ્યા દરમિયાન મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, કૉન્ફરન્સ હૉલ, વિજયદીપ, 7મા માળે, સુરજી વલ્લભદાસ રોડ, બૅલાર્ડ પિયરમાં કામગાર પરિષદનું આયોજન કરાયું છે. સરકારે બહુમતીના ટેકે સંસદમાં મંજૂર કરેલા ચાર લેબર કોડ સંબંધી કામદારોને સવિસ્તાર માહિતી આપવા માટે કામગાર પરિષદનું આયોજન કરાયું છે, જેમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ કાયદા નિષ્ણાત ઍડ. સંજય સિંઘવી માર્ગદર્શન આપશે, એવી માહિતી યુનિયનના પ્રસિદ્ધિ પ્રમુખ મારુતિ વિશ્વાસરાવે આપી છે.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust