ચીને તાઈવાન મામલે હદ ઓળંગી : ગમે ત્યારે નવાજૂની ?

બેજિંગ/તાઈપેઈ, તા.5 : અમેરિકી રાજનેતા નેન્સી પેલોસીની તાઈવાન યાત્રા બાદ ચીન લાલઘૂમ છે અને રોજ તાઈવાન વિરુદ્ધ શક્તિ પ્રદર્શન કરી રહ્યં છે. હવે તો હદ પાર કરતાં 10 યુદ્ધક જહાજ અને 20 લડાકૂ વિમાનોને તાઈવાનની અત્યંત નજીક ઘૂસાડયા છે. બીજીતરફ ચીનને કાબૂ કરવા અમેરિકાએ પરમાણુ શક્તિથી સજ્જ યુદ્ધ જહાજ રોનાલ્ડ રિગનને તાઈવાન નજીક તૈનાત કર્યું છે. આ જહાજ 90 ફાઈટર જેટથી સજ્જ છે.
ચીન અને તાઈવાનને એક બીજાથી અલગ કરતી સમુદ્રની મેડિયન લાઈન ચીને લાંબા સમય બાદ ઓળંગી છે. આ એક બિનઔપચારિક લાઈન છે જે બંન્ને દેશ બિનસત્તાવાર સ્વીકારે છે અને સામાન્ય રીતે પાર કરતાં નથી. તાઈવાને ચીનની આ ગતિવિધિને ઉશ્કેરણીજનક ગણાવી છે. તાઈવાન સંરક્ષણ મંત્રાલય અનુસાર આજે સવારે 11 વાગ્યે ચીની ફાઈટર વિમાનો અને જહાજોએ તાઈવાનની સ્ટ્રેટ આસપાસ યુદ્ધ અભ્યાસ કર્યો હતો. મિસાઈલો છોડવી તથા તાઈવાનની મધ્ય રેખાને જાણી જોઈને પાર કરવી એ ઉત્તેજક કાર્યવાહી છે. ચીન ઈચ્છે છે કે તાઈવાન જવાબ આપે.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust