કેન્દ્રની વિરુદ્ધમાં રાજ ભવન બહાર દેખાવો કરે તે પહેલાં કૉંગ્રેસના નેતાઓની અટક

કેન્દ્રની વિરુદ્ધમાં રાજ ભવન બહાર દેખાવો કરે તે પહેલાં કૉંગ્રેસના નેતાઓની અટક
મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : ભાવવધારા, જીએસટી દર વધારા અને બેરોજગારી મુદ્દે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં રાજ ભવનની બહાર મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓ દેખાવો કરે તે પહેલાં પોલીસે તેમની અટકાયત કરી હતી.
જે નેતાઓની અટકાયત કરવામાં આવી હતી તેમાં રાજ્ય કૉંગ્રેસ પ્રમુખ નાના પટોલે, બાળાસાહેબ થોરાટ, વર્ષા ગાયકવાડ, નસીમ ખાન, ચંદ્રકાંત હંડોરે વગેરેનો સમાવેશ થતો હતો. આ નેતાઓની થયેલી અટકાયતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા.
કૉંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે તેમણે રાજ ભવન સુધી વિરોધ મોરચો લઈ જવાની યોજના ઘડી હતી. કેન્દ્રની નીતિઓનો વિરોધ કરવા તેઓ આ મોરચો લઈ જવાના હતા.
ગુરુવારે જાહેર કરાયેલી યોજના મુજબ આ મોરચો હેંગિંગ ગાર્ડનથી શરૂ થવાનો હતો અને સવારના 11 વાગે રાજ ભવન ખાતે પૂરો થવાનો હતો.
વિધાન ભવનની બહાર પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યાં કૉંગ્રેસના નેતાઓએ બેઠક યોજી હતી. જોકે પોલીસે તેમને રાજ ભવન જતાં અટકાવ્યા હતા.
કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે ફુગાવા સહિતના જનતાને સતાવતા પ્રશ્નોના મુદ્દે આંદોલન કરવાનો તેમનો અધિકાર છે. બ્રિટિશ રાજમાં પણ શાંતિમય દેખાવો કરવાની છૂટ હતી, પરંતુ હવે `ઈડી' સરકાર હેઠળ આ પણ શક્ય નથી.
કૉંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ શાંતિમય દેખાવો કરવા માગતી હતી.
પોલીસ અધિકારીએ કૉંગ્રેસના નેતાઓને જણાવ્યું હતું કે તેઓ આઝાદ મેદાન ખાતે વિરોધ પ્રદર્શનો કરી શકે છે, પરંતુ કૉંગ્રેસના નેતાઓએ દલીલબાજી કરતાં તેમની અટકાયત કરવામાં આવી હતી.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust