ભારતમાં સરમુખત્યારશાહીની શરૂઆત : રાહુલ ગાંધી

ભારતમાં સરમુખત્યારશાહીની શરૂઆત : રાહુલ ગાંધી
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 5 : રાષ્ટ્રપતિ ભવન તરફ વિરોધ માર્ચ પહેલા, ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત લોકશાહીનાં મૃત્યુની સાથે સરમુખત્યારશાહીની શરૂઆતને નિહાળી રહ્યું છે અને જે લોકો એની વિરુદ્ધ ઊભા છે તેમના પર હુમલાઓ થઈ રહ્યા છે. ધરપકડ થઈ રહી છે અને જેલમાં પુરવામાં આવી રહ્યા છે.
દિલ્હીમાં એઆઈસીસી મુખ્યાલય ખાતે પત્રકારોને સંબોધિત કરતા ગાંધીએ પૂછ્યું, તમે ભારતમાં શરૂ થઈ રહેલી સરમુખત્યારશાહીનો આનંદ કેવી રીતે લઈ રહ્યા છો... તમે લોકશાહીના મૃત્યુ અંગે કેવી લાગણી અનુભવી રહ્યા છો.
અમે જે જોઈ રહ્યા છીએ એ લોકશાહીનું મૃત્યુ છે, ભારત એ જોઈ રહ્યું છે. એક એક ઇંટ થકી ભારતનું સર્જન થયું છે, એ આપની નજર સમક્ષ નાશ પામી રહ્યું છે. તમને બધાને એની જાણ છે. 
કૉંગ્રેસમાં લોકશાહી છે?
ભાજપનો વળતો પ્રહાર
દેશમાં મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કરેલા હુમલાના થોડા સમય બાદ ભાજપે આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે ભાવ વધારો અને બેરોજગારી એક બહાનું છે. દેશવ્યાપી વિરોધ પાછળનું અસલી કારણ ઈડીને ડરાવવાનું અને પરિવારને બચાવવાનું છે.
કટોકટી કાળમાં ભારતમાં અંધકાર છવાઈ ગયો હતો, ત્યારે કૉંગ્રેસનું શાસન હતું. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીનાં દાદીએ દેશમાં કટોકટી જાહેર કરી હતી. કટોકટી દરમિયાન વરિષ્ઠ પત્રકારોને જેલમાં ધકેલી દેવાયા હતા. રાહુલ ગાંધીનાં દાદીએ પ્રતિબદ્ધ ન્યાયપાલિકાની વાત કરી હતી. શું તમને કંઈ યાદ છે? તમે અમને લોકશાહીની સલાહ આપો છો.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust