મોંઘવારી સામે કૉંગ્રેસનું હલ્લાબોલ

મોંઘવારી સામે કૉંગ્રેસનું હલ્લાબોલ
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટક બાદ છુટકારો
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 5 : વધતા ભાવો, બેરોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર લાગુ કરાયેલ જીએસટીના વિરોધમાં દિલ્હી સ્થિત કૉંગ્રેસના મુખ્યાલય બહાર મોટા પાયે થઈ રહેલા વિરોધને પગલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.  મોડી સાંજે રાહુલ અને પ્રિયંકા  સહિતના નેતાઓને છોડી મુકાયા હતા. ભાવવધારા અને બેરોજગારીના વિરોધમાં કૉંગ્રેસે પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં પક્ષના સંસદસભ્યોએ આજે સંસદમાં કાળા કપડાં પહેરીને આવ્યા હતા. કૉંગ્રેસના સભ્યોએ સરકાર દ્વારા તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાતો હોવાના મુદ્દે હોબાળો મચાવતા રાજ્યસભાની કાર્યવાહી આજે સ્થગિત કરવામાં આવી હતી.
સંસદ અને એઆઈસીસી મુખ્યાલયની બહાર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક નેતાઓ કાળા કપડાંમાં ભાવ વધારા, બેરોજગારી જેવા મુદ્દે દેખાવો કરી રહ્યા હતા ત્યારે પોલીસે તાબામાં લીધા હતા. સંસદ ભવન પરિસરમાં રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના સંસદસભ્યોએ દેખાવો કર્યા બાદ પક્ષના રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપ રાષ્ટ્રપતિ ભવન તરફ મોરચો કાઢ્યો હતો.
વિરોધ પક્ષોના સંસદસભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાની સાથે આવશ્યક વસ્તુઓ પરના જીએસટી વધારાને પાછો ખેચવાની માગણી કરી હતી. વિરોધ કરી રહેલાઓમાં સોનિયા ગાંધી મહિલા સંસદસભ્યો સાથે સંસદના એક નંબરના ગેટ પાસે બેનર લઈ ઊભાં હતાં. 
જોકે રાષ્ટ્રપતિ ભવન જવા માગતા દેખાવકારોને પોલીસે અટકાવ્યા હતા. સોનિયા ગાંધી માર્મમાં જોડાયાં નહોતાં પરંતુ અન્ય સાંસદોને વિજય ચોક પાસે પોલીસે તાબામાં લીધા હતાં.
તો પ્રિયંકા ગાંધી-વાડ્રા કાળા ડ્રેસમાં એઆઈસીસી મુખ્યાલયની બહાર ધરણાં પર બેઠાં હતાં. પક્ષના મુખ્યાલયની બહાર લગાડેલા બેરિકેડ્સ કૂદીને રસ્તા પર બેસી ગયાં. સમગ્ર વિસ્તારમાં 144મી કલમ લગાવી હોવાથી પોલીસે પ્રિયંકા ગાંધીને ત્યાંથી હટવા કહ્યું. જોકે એઆઈસીસીની બહાર નાટકીય ઘટના બાદ પોલીસ કૉંગ્રેસ મહાસચિવને જબરજસ્તી પોલીસ વૅનમાં બેસાડી લઈ ગઈ હતી.
પોલીસ વૅનમાં શૂટ કરાયેલા અને કૉંગ્રેસ દ્વારા પત્રકારોને મોકલવામાં આવેલા એક વીડિયોમાં પ્રિયંકા ગાધીએ કહ્યું કે, તેમને લાગે છે કે બળપ્રયોગ દ્વારા અમનને ચુપ કરાવી શકશે અને અમને સમજૂતિ કરવા મજબૂર કરી શકશે. પરંતુ અમે એવું શું કામ કરીએ? તેમના પ્રધાનોને ભાવ વધારો દેખાતો નથી, એટલે અમે વડા પ્રધાનને મોંઘવારી દર્શાવવા માગતા હતા. આવશ્યક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પરંતુ વડા પ્રધાન માટે તો મોંઘવારી છે જ નહીં. તેમણે દેશની મિલકત અમુક લોકોને આપી દીધી છે. ગણતરીના લોકો ધનિક બન્યા છે, પરંતુ સામાન્ય લોકો પીડિત છે, એમ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust