નવરાત્રિમાં બોરીવલીમાં કિંજલ દવે ખેલૈયાઓ સાથે રમઝટ બોલાવશે

નવરાત્રિમાં બોરીવલીમાં કિંજલ દવે ખેલૈયાઓ સાથે રમઝટ બોલાવશે
`ચાર બંડીવાળી ગાડી લઈ દઉં...'ના ગીતથી દેશવિદેશમાં જાણીતી બનેલી ગાયિકા કિંજલ દવે આ વર્ષે નવરાત્રિમાં બોરીવલીમાં સૂર રેલાવશે. વિધાનસભ્ય સુનીલ રાણેએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી શકે તે માટે દુર્ગાદેવી નવરાત્રિ ઉત્સવ સમિતિ દ્વારા રંગરાત્રિ દાંડિયા નાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. સુનીલ રાણેના નેતૃત્વ હેઠળની આયોજિત થનારી નવરાત્રિની વાત કરતાં કિંજલ દવેએ જણાવ્યું હતું કે મારી સાથે નાનો ભાઈ આકાશ પણ હશે. અમે મુંબઈમાં નવરાત્રિ કરવાનો નિર્ણય લીધો છે. હું મારા પપ્પા સાથે માત્ર સાત વર્ષની ઉંમરથી ગાતી આવી છું. ગાયકી મારું પેશન છે. પરિવાર મારી હિંમત છે. મુંબઈમાં નવરાત્રિમાં ગાવાનો અવસર મળ્યો તે માટે અમે આનંદિત છીએ. માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને કંઈક નવું આપવા માટે અમે  પ્રેકિટસ શરૂ કરી છે.
નવરાત્રિના આયોજનની જાહેરાતના આ કાર્યક્રમમાં સુનીલ રાણેનાં પત્ની વર્ષા રાણે, દુર્ગાદેવી નવરાત્રિ ઉત્સવ સમિતિના બોરીવલીના પ્રેસિડેન્ટ આયુષી શાહ, નગરસેવિકા બીના દોશી, ટેલિવિઝનના કલાકારો હેલી શાહ, ચાંદની શર્મા, જય સોની વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
વર્ષા સુનીલ રાણેએ કહ્યું હતું કે મા જગદમ્બાની કૃપાથી અમે આ વર્ષે નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ, અમને આશા છે કે સહુના સાથ સહકારથી આ આયોજન સફળ બનશે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust