રક્ષાબંધન પૂર્વે રાખડી ઉત્પાદકો અને વેપારીઓમાં ઉત્સાહનો માહોલ

પેન્ડન્ટ રાખડીની માગ વધુ, કિડ્સમાં પોપેટ-યુનિકોર્ન સહિતનાં પાત્રોની ધૂમ માગ
નીતા ડી. દેસાઈ તરફથી
મુંબઈ, તા. 8 : અૉગસ્ટની 11મી તારીખે દેશમાં રક્ષાબંધનની થનારી ઉજવણી પહેલા જ રાખડી ઉત્પાદકો અને વેપારીઓમાં ભારે ઉત્તેજના વ્યાપી હોવાનું બજારમાં દેખાય છે. કોરોના મહામારીને કારણે પાછલા બે વર્ષ ધોવાઈ ગયા પછી આ વર્ષે  તહેવાર પૂર્વે જ સારું વેચાણ મળી રહ્યું છે. કિંમત આ વર્ષે 20થી 25 ટકા વધી હોવા છતાં વેચાણ હજી વધતું રહેશે તેવો તેમને વિશ્વાસ છે. 
જથાબંધ-રિટેલ વેપારીઓ અને ગ્રાહકો કિંમતની ઝાઝી  પરવા કર્યા વિના રાખડીના ઓર્ડર આપી રહ્યા છે તે જોઈ જલારામ સેન્ટરના જગદીશભાઈએ કહ્યું કે, દેશમાં આ વર્ષનું રાખડીનું વેચાણ કોરાના પહેલાના વર્ષમાંના સ્તરને પાર કરશે. દુકાનોમાંથી રાખડી ખરીદવા ઉપરાંત હવે અૉનલાઈન પણ તેનું ધૂમ વેચાણ  છે. આ ઉપરાંત, ઘરે બેસીને સ્વ-વ્યવ્સાય કરતી મહિલાઓનો પણ અૉનલાઈન અને રિટેલ વેચાણમાં એક ચોક્કસ હિસ્સો છે. 
મહારાષ્ટ્ર રાખી ઍસોસિયેશન (મુંબઈ)ના સેક્રેટરી અને અશોક આર્ટ્સના સંજયભાઈ જૈને `વ્યાપાર'ને કહ્યું કે, રક્ષાબંધન હવે બિનસાંપ્રદાયિક તહેવાર બનતો જાય છે તેથી હિંદુ સિવાયના લોકોની પણ ખરીદી થઈ રહી છે. ભારતીય સમુદાય જ્યાં વિશેષ રહેતો હોય તેવા દેશોમાં રાખડીની નિકાસ નોંધપાત્ર થઇ રહી છે. 
સંજયભાઈએ કહ્યું કે, રાજસ્થાનીઓની જેમ  ગુજરાતીઓમાં પણ હવે ભાભીને રાખડી બાંધવાનું  વધ્યું છે તેથી  લુંબા રાખડીની માગ વધી છે. સુખડની રાખડીની માગ છે પણ તે મોંઘી હોવાથી તેનું ઉત્પાદન ઓછું  છે. બહારગામ મોકલવા માટે રોલી  ચાવલ સાથે મળતી રાખડીની માગ વધી છે, તો ફેન્સી પૂજા થાલી સાથેની રાખડીનું વેચાણ પણ સારું છે.  
સંજયભાઈએ કહ્યું કે, રાખડીની પેટર્નમાં જૂની ફેશન પાછી ફરી છે. ગ્રાહકોમાં પેન્ડન્ટ રાખડીની માગ વધી છે. ભગવાનને પહેરાવવા માટેના  પવિત્રા ઉપરાંત પેન્ડન્ટ રાખડીઓની ખરીદી સવિશેષ થઈ રહી છે. જગદીશભાઈના કહેવા પ્રમાણે ફેન્સી રાખડીની માગ વધારે છે તેમ બાળકોની મનગમતી  ડિઝાઇનર રાખડીની પણ સારી થઈ રહી છે. ચાંદીની રાખડીઓમાં ડુપ્લિકેટનું જોખમ હોવાથી ગ્રાહકો સાવધ છે. તેથી ઉત્પાદન પણ ઓછું છે. 
સંજયભાઈએ કહ્યું કે, કાચા માલના ભાવ વધ્યા હોવાથી રાખડીના ભાવમાં 20-25 ટકાનો વધારો થયો છે. રાખડીના કાચો માલ દેશાવરોથી આવતો હોવાથી પરિવહન ખર્ચ વધવાની અસરથી તે મોંઘી બને છે. આ ઉપરાંત, કાસ્ટિંગની અછત  અને નિકલ નહીં આવતું હોવાથી ભાવમાં વધારો છે. હોલસેલ રાખડીઓ 20 રૂપિયાથી 600 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચાય છે. જગદીશભાઈના જણાવવા મુજબ રાખડીમાં લાગતા પ્લાસ્ટિકના કાર્ટૂન પાત્રો મુખ્યત્વે ચીનથી આવે છે ત્યારે સંજયભાઈએ કહ્યું કે, રાખડીઓ હવે સંપૂર્ણ સ્વદેશી છે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust