તાતા મોટર્સે ફોર્ડ ઇન્ડિયાનો સાણંદ પ્લાન્ટ રૂા. 725 કરોડમાં ખરીદ્યો

તાતા મોટર્સે ફોર્ડ ઇન્ડિયાનો સાણંદ પ્લાન્ટ રૂા. 725 કરોડમાં ખરીદ્યો
નવી દિલ્હી, તા. 8 : તાતા મોટર્સની પેટા કંપની તાતા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડે (ટીપીઈએમએલ) ગુજરાતમાં સાણંદસ્થિત ફોર્ડ ઇન્ડિયાનો વાહન ઉત્પાદન પ્લાન્ટ, સમગ્ર જમીન, બિલ્ડિંગ, મશીનરી અને અન્ય સાધન સામગ્રી સાથે રૂા. 725.70 કરોડમાં ખરીદી લીધો છે, એમ તાતા મોટર્સે જણાવ્યું હતું. તાતા મોટર્સ પેસેન્જર્સ વ્હીકલ અને તાતા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીના મૅનેજિંગ ડિરેક્ટર શૈલેશ ચંદ્રાએ જણાવ્યું કે ફોર્ડના સાણંદ પ્લાન્ટની ખરીદીને પગલે ભારતીય અૉટો ઉદ્યોગની વૃદ્ધિને વેગ મળશે અને આ પગલું આત્મનિર્ભર ભારતની દિશામાં ઉદ્યોગને અગ્રેસર બનાવશે.
આ બંને કંપનીઓએ રવિવારે યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ (યુટીએ) પર સહીસિસ્કા કર્યા હતા. આ કરાર અંતર્ગત ફોર્ડ ઇન્ડિયાના એકમના દરેક લાયક કર્મચારીને તાતા મોટર્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ફોર્ડ ઇન્ડિયા ટીપીઈએમએલ પાસેથી પરસ્પર સંમતિએ નક્કી કરેલી શરતોએ પાવરટ્રેનના ઉત્પાદન માટેની જમીન અને ઇમારતોને લીઝિંગ દ્વારા પરત મેળવીને તેમાં પાવરટ્રેનનું ઉત્પાદન ચાલુ રાખશે. કોઈ સંજોગમાં ફોર્ડ ઇન્ડિયાનું પાવરટ્રેનનું કાર્ય પૂરું થઈ જાય તો ટીપીઈએમએલે ફોર્ડ ઇન્ડિયાના પાવરટ્રેનના લાયક કર્મચારીઓને નોકરી આપવાની સંમતિ આપી હતી. આ ઉત્પાદન પ્લાન્ટ 3043 સીધો રોજગાર અને 20,000 પરોક્ષ રોજગાર આપે છે.
ફોર્ડ ઇન્ડિયાનો વાહનના એસેમ્બલિંગનો પ્લાન્ટ 350 એકરમાં અને એન્જિન ઉત્પાદનનો પ્લાન્ટ 110 એકરમાં ફેલાયેલો છે.
ગુજરાત સરકાર, ટીપીઈએમએલ તથા ફોર્ડ ઇન્ડિયાએ 30 મે 2022ના રોજ એક ત્રિપક્ષી કરાર કરીને આ સોદા સંબંધિત તમામ સંમતિને ટેકો આપ્યો છે. સરકાર તરફથી આ સોદા સંબંધિત સંમતિ મળ્યા બાદ અને તમામ શરતો પૂરી થયા બાદ આ સોદો પૂર્ણ થશે.
હાલમાં તાતા મોટર્સ તેની લગભગ પૂર્ણ ઉત્પાદન ક્ષમતાએ કામ કરે છે અને આ સોદો એકદમ સમયસર થયો છે. સાણંદના પ્લાન્ટમાં દર વર્ષે 3,00,000 યુનિટના ઉત્પાદનની વ્યવસ્થા છે જેને વધારીને 4,20,000 યુનિટ સુધી લઈ જઈ શકાય એમ તાતા મોટર્સે જણાવ્યું હતું.
ફોર્ડ મોટરના અધિકારી સ્ટીવ આર્મસ્ટ્રોન્ગે જણાવ્યું હતું કે તેમની કંપની પોતાના કામકાજમાં વ્યૂહાત્મક પરિવર્તન કરી રહી છે અને આ સોદો તે પરિવર્તનનો એક અગત્યનો ભાગ છે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust