રિલાયન્સનું નવું ગ્રોથ એન્જિન હશે ગ્રીન એનર્જી બિઝનેસ : વાર્ષિક અહેવાલ

રિલાયન્સનું નવું ગ્રોથ એન્જિન હશે ગ્રીન એનર્જી બિઝનેસ : વાર્ષિક અહેવાલ
બે દાયકામાં ભારત ટોચનાં ત્રણ અર્થતંત્રમાં સ્થાન પામશે, રિલાયન્સની ભૂમિકા મહત્ત્વની રહેશે
નવી દિલ્હી, તા. 8 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ 2021-22ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે આગામી પાંચથી સાત વર્ષમાં ગ્રીન એનર્જીનો વ્યવસાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ગ્રોથ એન્જિન બનશે.
નૂતન ઊર્જા (ગ્રીન એનર્જી)ને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગત વર્ષે, આગામી ત્રણ વર્ષ માટેની રૂા. 75,000 કરોડની મૂડીરોકાણની યોજના જાહેર કરી હતી. જામનગરમાં એક ગીગા કોમ્પ્લેક્સની સ્થાપના કરવામાં આવશે જ્યાં ગ્રીન એનર્જીની દરેક પ્રકારની સાધન સામગ્રીનું ઉત્પાદન કરવામાં આવશે. તેમાં ભાગીદારી અને ભવિષ્યની ટેક્નૉલૉજીના રોકાણનો પણ સમાવેશ થશે.
કંપનીએ જણાવ્યું છે કે આગામી બાર મહિનામાં ગ્રીન એનર્જીનું મૂડીરોકાણ વધતું જશે અને પાંચથી સાત વર્ષમાં આ નવું ગ્રોથ એન્જિન, કંપનીના અગાઉના તમામ ગ્રોથ એન્જિનથી આગળ નીકળી જશે. રિલાયન્સ તેનો હાલના બિઝનેસનો ટેક્નૉલૉજી, શોધખોળ અને અમલ દ્વારા વિકાસ કરશે.
આગામી બે દાયકામાં ભારતીય અર્થતંત્રનો સમાવેશ વિશ્વના ટોચનાં ત્રણ અર્થતંત્રમાં થશે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. ભારત અને રિલાયન્સ વિશ્વને ક્લીન એનર્જી (શુદ્ધ ઊર્જા) તરફ લઈ જવામાં અગત્યનો ભાગ ભજવશે. રિલાયન્સ 2035 સુધીમાં શૂન્ય કાર્બન (પ્રદૂષણ મુક્ત) કંપની બનવા માગે છે તેમ અંબાણીએ જણાવ્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2021-22માં 2.32 લાખ નવી રોજગારીનું સર્જન કર્યું હતું. નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં રિલાયન્સમાં કુલ 3.43 લાખ કર્મચારીઓ કામ કરતા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની જિઓ અત્યારે ભારતની સૌથી મોટી ડિજિટલ સર્વિસ કંપની છે. જિઓ ભારતનાં 1000 જેટલાં મુખ્ય શહેરોમાં 5-જીની સંપૂર્ણ સ્વદેશી ટેક્નૉલૉજી વાળી સેવાઓ પૂરી પાડશે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust