બેસ્ટની બસમાં સીટનું ઍડવાન્સ બુકિંગ શકય : સપ્ટેમ્બરથી મોબાઇલ ઍપ શરૂ થશે

મુંબઈ, તા. 8 : ધસારાના સમયે બેસ્ટ બસોમાં થતી ભીડ અને ખાનગી બસોની સ્પર્ધાને પગલે બેસ્ટ ઉપક્રમે મોબાઇલ એપ આધારિત ટેકસીની જેમ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સેવા દ્વારા પ્રવાસીઓ બસમાં સીટનું એડવાન્સ બુકિંગ કરી શકશે. આ સેવા સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે એમ બેસ્ટ પ્રશાસનના અધિકારીએ જણાવ્યું હતું.
સવારે અને સાંજે ધસારાના સમયે કામ માટે બહાર નીકળેલા નાગરિકોને ટેકસી પણ મળવી મુશ્કેલ બની જાય છે. અનેકવાર ટેકસીચાલકો પ્રવાસી ભાડુ લેવાની મનાઇ ફરમાવતા હોય છે. પ્રવાસીઓને થતી હાલાકીને જોતા બેસ્ટે બસમાં વે સીટની એડવાન્સ બુકિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 
100 લકઝરી બસો કાફલામાં સામેલ થશે
હાલ આ સેવા શરૂ કરવા તેનો અભ્યાસ અને સર્વે ચાલી રહ્યો છે. સપ્ટેમ્બરના પહેલા કે બીજા સપ્તાહમાં આ સેવા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાશે. જેને માટે આરામદાયી 45 સીટર 100 લકઝરી બસો તબક્કાવાર બેસ્ટના કાફલામાં જોડાશે. આ સેવા હેઠળ દોડતી બસમાં પ્રવાસીઓ ઊભા નહીં રહી શકે. આ બસમાં બેઠકો એપના માધ્યમથી અગાઉ એટલે કે એડવાન્સ બૂક કરાવવાની રહેશે, એમ બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રએ જણાવ્યું હતું.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust