મહિલા બાળ કલ્યાણ વિભાગના ભ્રષ્ટાચારની તપાસ કરવા આયુક્તનો અૉડિટરને આદેશ

10 વર્ષના દસ્તાવેજ તપાસી બંધ કવરમાં રિપોર્ટ આપવા કહ્યું 
જીતેશ વોરા તરફથી
ભાયંદર, તા. 8 : મનપાની મહાસભામાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ પર કૉંગ્રેસના પાંચ વર્ષમાં 18 કરોડના ગોટાળાના આરોપ પછી મનપા આયુક્તે 10 વર્ષની સમિતિના કારભારનો રિપોર્ટ તમામ ડોકયુમેન્ટ્સ  ચેક કરી આપવા માટે ઓડિટરને આદેશ આપ્યો છે. 
આ સમિતિ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજના, વિવિધ પ્રકારના પ્રશિક્ષણ અને કાર્યક્રમોના આયોજન પાછળ મહિલા સભાપતિ અને ભાજપા શાસિત મનપા દ્વારા આચારવામાં આવેલા ભ્રષ્ટાચારની અનેક ફરિયાદ કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા કૉંગ્રેસ દ્વારા મહાસભા દરમિયાન આંદોલન કરવામાં આવ્યું હતું જેના માટે અમુક કૉંગ્રેસના કાર્યકર્તા પર ગુનો પણ દાખલ કરવામાં આવેલો. આનો પ્રત્યઘાત આપતા મેયરે કૉંગ્રેસ દ્વારા ત્રણ લાખની લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કૉંગ્રેસે તેનો તીવ્ર પ્રત્યાઘાત આપતા કહેલું કે આ પાયા વગરનો આરોપ છે પરંતુ મેયર પોતેજ જો કહેતા હોય કે ટેન્ડર માટે લાંચ આપવામાં આવી હતી તેનો મતલબ એજ થાય કે ભાજપાના રાજમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની કબૂલાત મેયરે પોતે જ કરેલી છે અને તેથી આની સઘન તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે. કૉંગ્રેસના તીવ્ર પ્રત્યઘાત પછી મનપા આયુક્તે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા થયેલા છેલ્લાં 10 વર્ષના કારભારનો રિપોર્ટ ઓડિટર મારફત તૈયાર કરી બંધ કવરમાં આપવાનો આદેશ આપ્યો હતો.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust