પવાર પરિવાર સહિત પ્રતિવાદીઓને છ સપ્તાહમાં નોટિસનો ઉત્તર આપવાનો રહેશે

લવાસા પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રમાં લવાસાને ખાનગી હિલ સ્ટેશન તરીકે વિકસિત કરવા માટે જમીન ખરીદવા વિકાસ આયુક્ત (ઉદ્યોગ) એ આપેલી વિશેષ પરવાનગી રદ કરવા તેમ જ તે પરવાનગી ગેરકાનૂની, રાજકીય પક્ષપાત ધરાવતી અને મનસ્વી જાહેર કરવાની વિનંતી કરતી અરજીને કાઢી નાખવાના મુંબઈ વડી અદાલતના ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો છે.
સર્વોચ્ચ અદાલતે આ અરજીની નોંધ લઈને મહારાષ્ટ્ર સરકાર, રાષ્ટ્રવાદીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, સાંસદ સુપ્રિયા સુળે સહિત અન્ય પ્રતિવાદીઓને નોટિસ મોકલીને છ સપ્તાહમાં ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો છે. વડી અદાલતના ચુકાદાને નાશિકના નાનાસાહેબ જાધવએ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે. ન્યાયાધીશો ધનંજય ચન્દ્રચુડ અને એ. એસ. બોપન્નાની ખંડપીઠ સમક્ષ આ અરજી અંગે સુનાવણી થઈ હતી. તે સમયે અદાલતે પ્રતિવાદીઓને નોટિસ બજાવીને ઉત્તર નોંધાવવાનો આદેશ આપ્યો હતો. આ અરજીમાં કૃષ્ણાખોરે વિકાસ મહામંડળ, લવાસા કૉર્પોરેશન, હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન પુણે જિલ્લાના કલેક્ટર અને રાજ્યના વિકાસ આયુક્તને પણ પ્રતિવાદી કરવામાં આવ્યા છે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust