આપણે દુશ્મન નહીં, પ્રતિસ્પર્ધી

નિવૃત્ત થતા નાયડુની અંતિમ ટિપ્પણી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 8 : વડા પ્રધાને કહ્યું, નાયડુની પરવાનગીથી યુવા સમાજ, દેશ અને લોકશાહી વિશે ઘણું શીખી શકે છે. તેમણે કહ્યું કે, નાયડુની રાજ્યસભાનું નેતૃત્વ કરવાની જવાબદારી ભલે પૂરી થઈ હોય, પરંતુ રાષ્ટ્રની સાથોસાથ સાર્વજનિક જીવનના કાર્યકર્તાઓને તેમના અનુભવનો લાભ મળતો રહેશે. તેમણે પક્ષ પ્રમુખ, કેન્દ્રીય પ્રધાન તરીકે કરેલી સખત મહેનત કે ઉપરાષ્ટ્રપતિ તરીકેની તેમની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી.
વડા પ્રધાને કહ્યું, નાયડુએ રાજ્યસભામાં માતૃભાષાને પ્રોત્સાહન આપવાના પુષ્કળ પ્રયાસો કર્યા. એ સાથે તેમણે ઉમેર્યું કે તેમની કાર્યશૈલી સભ્યોને હંમેશ પ્રેરિત કરશે. મોદીએ કહ્યું કે, નિવૃત્ત થઈ રહેલા અધ્યક્ષની વન લાઇનર્સ પણ વિટ-લાઇનર્સ રહેતી અને ભાષા પરનું પ્રભુત્વ પણ ગજબનું હતું.
નિવૃત્ત થઈ રહેલા રાજ્યસભાના અધ્યક્ષે જણાવ્યું કે, ઉપલા ગૃહની મોટી જવાબદારી હોય છે. સમગ્ર દુનિયા ભારતનની વાક્સ યાત્રાને નિહાળી રહી છે. હું રાજ્યસભાના સાંસદોને શાલીનતા, ગરિમા અને મર્યાદા જાળવી રાખવાની અપીલ કરું છું જેથી ગૃહનું સન્માન જળવાઈ રહે. તેમના વિદાય ભાષણનું સમાપન કરતા નાયડુએ વિરોધ પક્ષોને કહ્યું, આપણે દુશ્મન નથી, પ્રતિદ્વંદી છીએ. આપણે પ્રતિસ્પર્ધામાં અન્યોને માત આપવા ભારે જહેમત કરવાની જરૂર છે. પરંતુ અન્યોને નીચા બતાવવાના નથી.
વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એમ. વેન્કૈયા નાયડુના રાજકીય જીવનને યાદ કરતા કહ્યું, તેઓ ઓગણીસ વરસ રાજ્યસભાના સંસદસભ્ય રહ્યા. નાયડુ વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં સક્રિય રહ્યા. તાણભરી પરિસ્થિતિમાં પણ કુશળતાપૂર્વક જવાબદારી નિભાવવા બદલ  ખડગેએ નાયડુને બિરદાવ્યા હતા. તેમણે કહ્યું, નાયડુએ મહિલા અનામત ખરડો તેમ જ અન્ય મુદ્દે આમ સહમતિની વાત કરી હતી. તેમણે એ વાતે પણ નાયડુની પ્રશંસા કરી કે તેમણે સાંસદોને તેમની માતૃભાષામાં બોલવાનો અવસર આપ્યો અને કોવિડ મહામારી દરમિયાન કુશળતાપૂર્વક કારભાર સંભાળ્યો.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust