પાકિસ્તાની યુદ્ધ જહાજનો ગુજરાત નજીક ઘૂસણખોરીનો પ્રયાસ

કોસ્ટગાર્ડની ચેતવણીએ `આલમગીર'ને ખદેડયું : જુલાઈના પહેલા પખવાડિયાની ઘટના
પોરબંદર,તા. 8: એકબાજુ ગુજરાતનાં તટીય વિસ્તારોમાંથી માદક પદાર્થો બિનવારસી મળી રહ્યાં છે અને પાકિસ્તાનની માછીમારીની બોટો પણ રેઢી મળી આવી છે ત્યારે એક વધુ ચોંકાવનારા અને ચિંતાજનક અહેવાલો મળી રહ્યાં છે. ગત માસનાં પહેલા પખવાડિયામાં પાકિસ્તાની નૌસેનાનાં એક જંગી જહાજે ભારતીય જળસીમામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતની નજીક ભારતીય જળસીમામાં પ્રવેશી ગયેલા પાક. યુદ્ધ જહાજ પીએનએસ આલમગીરને ભારતીય તટરક્ષક દળ(કોસ્ટગાર્ડ)નાં ડોર્નિયર સર્વેલન્સ પ્લેનથી પરત ખદેડવામાં આવ્યું હતું. 
જુલાઈનાં પહેલા પખવાડિયામાં ચોમાસુ જ્યારે ભરપૂર વરસી રહ્યું હતું ત્યારે જ ગુજરાતની જળસીમાએ પહેરેદારી કરતાં ડોર્નિયર એરક્રાફ્ટને પાક.નું જંગીજહાજ નજરે પડયું હતું અને તેને તત્કાળ ભારતીય હદમાંથી બહાર જવાની ચેતવણી આપવામાં આવી હતી. ડોર્નિયર વિમાનમાંથી પાક. જહાજની મંછા જાણવા માટે રેડિયો સંચારનાં માધ્યમથી કોલ પણ કરવામાં આવ્યો હતો. જો કે જહાજનાં કપ્તાને તેનો કોઈ વળતો જવાબ આપ્યો ન હતો. આ ચેતવણી છતાં જ્યારે પાક. જહાજ તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં મળતાં ડોર્નિયરે તેને પરત ફરવા ફરજ પાડી હતી. જો કે કોસ્ટગાર્ડ તરફથી હજી આ બારામાં કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોનાં જણાવ્યા અનુસાર કોસ્ટગાર્ડ તરફથી કોઈ કઠોર કાર્યવાહીની દહેશત પાક. જહાજને પાછા હઠવાની ફરજ પડી હતી. પાકિસ્તાની જહાજનાં ઈરાદા શંકાસ્પદ લાગતા ડોર્નિયર દ્વારા તેની સામે બે-ત્રણ વખત આક્રમક ઉડાનો ભરવામાં આવી હતી. આ આક્રમકતાથી આલમગીર પોતાની હદમાં પાછું વળી ગયું હતું. જો કે તે દૂર ગયું ત્યાં સુધી તેનાં ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી હતી. 
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust