મુંબઈમાં મધ્યમ વરસાદની આગાહી

મુંબઈ, તા. 8 : મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સોમવારે હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. શહેરમાં કયાંય પાણી ભરાયાની નોંધ નહોતી. ભારતીય હવામાન વિભાગે મંગળવારે મુંબઈ શહેર અને ઉપનગરમાં મધ્યમ તો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી હતી. આવતીકાલે મુંબઈમાં મહત્તમ ઉષ્ણતામાન 28  ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં 54.0 મિ.મી અને સાંતાક્રુઝમાં 34.0 મિ.મી વરસાદ નોંધાયો હતો. રાત્રે 8.30 વાગ્યે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબામાં 22.6 મિ.મી અને સાંતાક્રુઝમાં 8.7 મિ.મી વરસાદની નોંધ થઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. મોસમનો કુલ વરસાદ કોલાબામાં 1,409.0 મિમી અને સાંતાક્રુઝમાં 1,679.0 મિમી નોંધાયો હતો.
સિંધુદુર્ગ અને દક્ષિણ કોંકણના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ 
બે સપ્તાહના વિરામ બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. દક્ષિણ કોંકણમાં ભારે વરસાદ થઇ રહ્યો હોવાનું ભારતીય હવામાન ખાતાએ સોમવારે જણાવ્યું હતું. ભારતીય હવામાન ખાતાની આંકડાવારી અનુસાર સિંધુદુર્ગ અને રત્નાગિરીના કેટલાક વિસ્તારોમાં મુખ્યતવે કિનારાપટ્ટી ઉપર સોમવારે સવારે 8.30 વાગ્યા સુધી 24 કલાક દરમિયાન 200 મિ.મીથી વધુ વરસાદની નોંધ થઇ છે. 
સ્થાનિક લોકોના મતે સિંધુદુર્ગ અને રત્નાગિરીમાં ભારે વરસાદને પગલે અનેક ગામો અને વિસ્તારોમાં જવુ મુશ્કેલ બની ગયુ છે. સંપૂર્ણ જિલ્લા જળમય બની ગયા છે. બંને જિલ્લામાં અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે અને પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે તથા રહેણાંક વિસ્તારોમાં ઘરો પ્રભાવિત થયા છે. હવામાન ખાતાના અધિકારી અનુસાર સિંધુદુર્ગ જિલ્લામાંના અણેક વિસ્તારમાં ગત 24 કલાકોમાં 250 મિમીથી વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધારે લાંજામાં 290 મિમી વરસાદ વરસ્યો હતો. કોલ્હાપુર જિલ્લાના ગગનબાવડામાં 190 મિમી, શાહુવાડીમાં 90 મિમી વરસાદની નોંધ થઇ છે. 
જુલાઇના બીજા અને ત્રીજા સપ્તાહમાં મરાઠવાડા અને વિદર્ભમાં ભારે વરસાદને પગલે અનેક જણનાં મૃત્યુ તેમ જ પાકને ભારે નુકસાન થયું હતું.
ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસાની શરૂઆત બાદ મહારાષ્ટ્રમાં જૂન અને જુલાઇમાં સામાન્ય કરતાં 27 ટકા વધુ વરસાદની નોંધ થઇ છે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust