આજે મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળનું વિસ્તરણ

આજે મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળનું વિસ્તરણ
ભાજપ-શિંદે જૂથના મળી 15 પ્રધાનોના શપથની શક્યતા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના 40 દિવસ જૂના પ્રધાનમંડળનું વિસ્તરણ આવતી કાલે કરાશે. આવતી કાલે બાર જેટલા પ્રધાનો હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. 17મીથી 23મી અૉગસ્ટ સુધી વિધાનગૃહોનાં ચોમાસું અધિવેશન યોજાશે. ત્યાર પછી પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવે એવી સંભાવના છે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે અમે પ્રધાનમંડળનાં નામોને આજે રાત્રે અંતિમરૂપ આપશું.
મુખ્ય પ્રધાન શિંદેના નિકટના સાથીએ જણાવ્યું હતું કે આવતી કાલે બપોરે બાર વાગ્યે બાર જેટલા પ્રધાનો શપથ લેશે. મહારાષ્ટ્રનાં વિધાનગૃહોનું ચોમાસું અધિવેશન શક્ય એટલું વહેલું યોજવાનું હોવાથી અમે બાર વિધાનસભ્યોને પ્રધાનમંડળમાં સમાવી લેવાનું નક્કી કર્યું છે. વિધાન પરિષદના કેટલાક સભ્યોનો પણ પ્રધાનમંડળમાં સમાવેશ કરાશે. શિંદે જૂથ વતીથી ભરત ગોગાવલે અને શંભુરાજે દેસાઈનો સમાવેશ કરાય એવી ઊજળી શક્યતા છે.
શિંદેએ મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો પછી સાત વખત પાટનગર દિલ્હીની મુલાકાત લીધી હતી. તેમની પ્રત્યેક મુલાકાત સમયે હવે પ્રધાનમંડળના વિસ્તરણને અંતિમરૂપ અપાશે એવી અટકળો થતી હતી.
રાજકીય સમીક્ષકોએ જણાવ્યું હતું કે વર્ષ 2019માં તેલંગણામાં મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે પૂર્ણ કદનું પ્રધાનમંડળ રચવામાં 61 દિવસ રાહ જોઈ હતી. તેની સરખામણીમાં મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળના વિસ્તરણમાં થયેલો વિલંબ સામાન્ય છે.
રાષ્ટ્રવાદીના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા અજિત પવારે જણાવ્યું હતું કે એકનાથ શિંદેએ તેમની સાથે જોડાયેલા પ્રત્યેક વિધાનસભ્યને પ્રધાનપદ આપવાની અૉફર કરી હતી. હવે શિંદેને તે વચન પાળવામાં મુશ્કેલી પડી રહી છે, તેથી પ્રધાનમંડળની રચનામાં વિલંબ થઈ રહ્યો છે. પ્રધાનમંડળના વિસ્તરણનાં કારણો રાજ્ય સરકારે જણાવવા જોઈએ.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust