નીતિશ કુમાર ભાજપ સાથે નાતો તોડવાની તૈયારીમાં

નીતિશ કુમાર ભાજપ સાથે નાતો તોડવાની તૈયારીમાં
બિહારમાં રાજકીય હલચલ
આરજેડી-કૉંગ્રેસ સાથે સરકારની ચર્ચા
પટણા,તા.8: હવે બિહારમાં જેડીયુ અને ભાજપનું ગઠબંધન ભંગાણની આરે પહોંચી ગયું છે. પટણાથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધી રાજકીય હલચલ વધી ગઈ છે. જેડીયુ તરફથી હવે કોઈપણ સમયે ભાજપ સાથે છેડો ફાડવાની ઘોષણા થાય તેવી અટકળોનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. કહેવાય છે કે જેડીયુ ભાજપ સાથે ગઠબંધન તોડીને રાજદનાં મહાગઠબંધન સાથે હાથ મિલાવી શકે છે. રાજદ અને કોંગ્રેસે પણ નીતિશને સાથે આવવા માટે આહ્વાન કર્યુ છે. સામે પક્ષે ભાજપ પણ સક્રિય થઈ ગયો છે. ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વ દ્વારા રવિશંકર પ્રસાદ અને શાહનવાઝ હુસેનને દિલ્હી તેડાવવામાં આવ્યા છે. 
સૂત્રોનાં કહેવા અનુસાર નીતિશ કુમાર તેજસ્વી યાદવનાં નેતૃત્વવાળા રાજદ, ડાબેરી મોરચો અને કોંગ્રેસ સાથે મળીને વૈકલ્પિક સરકાર રચવાનો વ્યૂહ ઘડી રહ્યાં છે. જેડીયુનાં મોટાભાગનાં વિધાયકો મધ્યસત્રી ચૂંટણી આવે તેવું ઈચ્છતા નથી. જેને પગલે નીતિશ કુમારે અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવવાની સંભાવનાઓ ખોળવા માંડી છે.
જેડીયુનો આરોપ છે કે, ભાજપ તેનો પક્ષ તોડવાનાં પ્રયાસો કરી રહ્યો છે. આર.પી.સિંહ દ્વારા તે જેડીયુને નુકસાન પહોંચાડવામાં લાગેલો છે. રવિવારે તો પક્ષે સાર્વજનિક રૂપે ભાજપ ઉપર સીધો હુમલો પણ બોલાવી દીધો હતો અને જેડીયુનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજને ભાજપનું નામ લીધા વિના આરોપ પણ લગાવ્યો હતો કે તેમને યોગ્ય સમયે બેનકાબ કરવાની ધમકી આપવામાં આવી હતી.
આ બધા વચ્ચે બિહારનાં મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આવતીકાલે મંગળવારે પોતાનાં ધારાસભ્યોની બેઠક પણ બોલાવી છે અને તેનાં હિસાબે જ ગઠબંધન તૂટવાની અટકળો વધુ તેજ થઈ ગઈ છે. બીજીબાજુ કોંગ્રેસે પણ પોતાનાં ધારાસભ્યોની બેઠક બોલાવી છે. ભાજપ અને જેડીયુ વચ્ચે તકરાર ભંગાણની હદ સુધી ગંભીર બની ગઈ છે ત્યારે નીતિશ કુમારે કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે ફોન ઉપર વાતચીત કરી હોવાનું પણ જાણવા મળે છે. 
નીતિશનાં કરીબી સૂત્રોનું કહેવું છે કે, જે રીતે બિહાર ભાજપનાં નેતાઓ દ્વારા તેના ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે તેનાથી તેઓ નારાજ છે. નીતિશ ઈચ્છે છે કે, બિહાર વિધાનસભા અધ્યક્ષ વિજયકુમાર સિંહાને હટાવી દેવામાં આવે. આ ઉપરાંત નીતિશ કુમાર જૂન 2019માં મોદી સરકારમાં જેડીયુને માત્ર એક જ પ્રધાનપદની ઓફર થવાથી પણ નારાજ હતાં.
લાલુ-નીતિશ વચ્ચે જોડાણ નહીં : આરજેડી 
બિહારમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે જેડીયુ સાથે મળી રાજ્યમાં સરકાર બનાવવાની શક્યતાને નકારી દીધી હતી. તેમણે કહ્યું કે જેડીયુ અને આરજેડીના ગઠબંધન અંગે કોઈ ચર્ચા થઈ નથી અને નીતિશ કુમાર સાથે મળી સરકાર બનાવવાની કોઈ યોજના નથી.
આરજેડીની રાબડી નિવાસમાં યોજાનારી બેઠક અંગે જગદાનંદ સિંહે કહ્યું કે કાલે આરજેડીના વિધાનસભ્યોની બેઠક સદસ્યતા અભિયાન, સંગઠનને મજબૂત બનાવવા માટે છ. તેમણે કહ્યું કે આરજેડીમાં સંગઠનની ચૂંટણી થઈ રહી હોવાથી બેઠક બોલાવવામાં આવી છે.
તો આરસીપી સિંહ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે આ જેડીયુનો આંતરિક મામલો છે.  તેમણે કહ્યું કે આરજેડીના તમામ પ્રવક્તાઓનો અધિકાર લઈ લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ નિવેદન તેજસ્વી યાદવ જ આપશે. સંગઠનની ચૂંટણી થયા બાદ પ્રવક્તાઓની નવી યાદી જારી કરાશે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust