મહિલા આઇપીએલ માર્ચ-2023થી : બીસીસીઆઇએ તખ્તો તૈયાર કર્યોં

મહિલા આઇપીએલ માર્ચ-2023થી : બીસીસીઆઇએ તખ્તો તૈયાર કર્યોં
આઇસીસીએ વિન્ડો પણ ફાળવી: બોર્ડ સેક્રેટરી જય શાહે સ્પષ્ટ સંકેત આપ્યો
નવી દિલ્હી, તા.12: લાંબા સમયના ઇંતઝાર બાદ આખરે બીસીસીઆઇએ મહિલા આઈપીએલને માર્ચ-2023માં લોન્ચ કરવાનું નિશ્ચિત કર્યું છે. આ માટે બીસીસીઆઇએ એક મહિનાની અવધિ નક્કી કરી છે. હાલ બોર્ડ દ્વારા મહિલા આઇપીએલના આયોજન પર વર્ક આઉટ ચાલી રહ્યં છે. રિપોર્ટ અનુસાર મહિલા આઇપીએલ (માર્ચ), હંડ્રેડ (ઓગસ્ટ) અને મહિલા બિગ બેશ લીગ (નવેમ્બર-ડિસેમ્બર)ને આઇસીસીએ ભવિષ્યના કાર્યક્રમ માટે ખુલ્લી વિન્ડો ફાળવી દીધી છે. આ કાર્યક્રમની ઘોષણા આ મહિનામાં જ થઇ શકે છે.
બીસીસીઆઇએ પહેલા જ મહિલા ઘરેલુ કાર્યક્રમમાં ફેરફાર કર્યાં છે. જેથી મહિલા આઇપીએલનું આયોજન સરળતાથી થઇ શકે. 2022-23ની સીનીયર મહિલા ડોમેસ્ટીક સ્પર્ધાઓ આ વખતે 11 ઓકટોબરથી ટી-20 ટૂર્નામેન્ટથી થશે અને તેનું સમાપન ફેબ્રુઆરીમાં વન ડે ટૂર્નામેન્ટ સાથે થશે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે સંકેત આપ્યો છે કે માર્ચ 2023માં મહિલા આઇપીએલની પહેલી સિઝન રમાશે. જેમાં 6 ટીમને સામેલ કરવામાં આવશે. હિતધારકો તરફથી જે રીતની પ્રતિક્રિયા મળી છે એથી હું બહુ જ રોમાંચિત છું. એવું પણ જાણવા મળે છે કે મુંબઇ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટસ ફ્રેંચાઇઝીસ મહિલા આઇપીએલમાં ટીમ ખરીદવા ઉત્સુક છે. મહિલા આઇપીએલ જો બીસીસીઆઇની નિર્ધારિત યોજના અનુસાર માર્ચ 2023થી શરૂ થશે તો તે મહિલા ક્રિકેટની સૌથી મોંઘી અને લોકપ્રિય ટી-20 લીગ પહેલી સિઝનથી બનશે તેવું માનવામાં આવી રહ્યં છે.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust