જુલાઈમાં અૉટોમોબાઈલનું વેચાણ 10 ટકા વધ્યું

જુલાઈમાં અૉટોમોબાઈલનું વેચાણ 10 ટકા વધ્યું
મુંબઈ, તા. 12 : જુલાઈમાં સ્થાનિક બજારોમાં દરેક પ્રકારના વાહનોની ડિલિવરી વાર્ષિક ધોરણે 10 ટકા વધી હોવાનું ઉત્પાદકોના સંગઠન `િસઆમ'એ જણાવ્યું છે.
અૉટોમોબાઈલ (વાહન) ઉદ્યોગ પોતાના વેચાણ કેન્દ્રોને વાહન મોકલે તેને વેચાણ ગણે છે. સોસાયટી અૉફ ઇન્ડિયન અૉટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઆમ)એ તેના માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે મોટરકાર, વૅન અને યુટીલિટી વેહિકલ સહિતના પેસેન્જર વાહનો (પીવી)ની મજબૂત માગને કારણે અૉટોમોબાઈલનું વેચાણ વધ્યું હતું. આ ઉપરાંત સેમિકન્ડકટર ચીપ પહેલા કરતાં સરળતાથી ઉપલબ્ધ થવાથી અૉટોમોબાઈલનું ઉત્પાદન વધ્યું હતું. જુલાઈમાં પેસેન્જર વેહિકલ્સનું વેચાણ 11 ટકા વધીને 2,93,865 યુનિટ થયું છે, જે ગત વર્ષે આ સમયમાં 2,64,442 યુનિટ થયું હતું. વાહનોનું ઉત્પાદન 3,58,888 યુનિટ થયું હતું, જે ગત વર્ષે 3,33,369 યુનિટનું થયું હતું.
કોમર્શિયલ વેહિકલ્સ સિવાયના અૉટોમોબાઈલનું વેચાણ વધીને 17,06,545 યુનિટ થયું છે, જે ગત વર્ષે 15,42,716 યુનિટનું થયું હતું.
સિઆમના અધ્યક્ષ રાજેશ મેનને જણાવ્યું હતું કે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું વેચાણ થોડું વધ્યું છે. આમ છતાં 2006 અને 2016ના વેચાણ કરતાં તે ઓછું થયું છે.
એન્ટ્રી લેવલની - પેસેન્જર કાર, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું વેચાણ હજી વધ્યું નથી. ફુગાવાના ઊંચા દરનો સામનો કરવા માટે ત્રીજીવાર રેપો રેટ વધારવાનો નિર્ણય આરબીઆઈએ કર્યો હોવાથી અૉટો લોન મોંઘી થઈ છે. અૉટો લોનના વ્યાજદર વધવાને કારણે એન્ટ્રી લેવલના વાહનોનું વેચાણ વધુ મુશ્કેલ બન્યું છે.
તાજેતરમાં સરકારે સીએનજીને સ્થાનિક ગૅસનો વધુ પુરવઠો આપવાનું નક્કી કર્યું છે, તેના કારણે સીએનજી વડે ચાલતા વાહનોને ફાયદો થશે. સરકારે જે રાહત આપી છે તેનો ફાયદો ગ્રાહકને મળે તેનું ગૅસ કંપનીઓએ ધ્યાન રાખવું જોઈએ. ગૅસ કંપનીઓએ છૂટક સીએનજીના ભાવ ઘટાડવા જોઈએ, એમ મેનને ઉમેર્યું હતું.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust