ઘરભાડાં ઉપર 18 ટકા જીએસટીની વાત ખોટી

ઘરભાડાં ઉપર 18 ટકા જીએસટીની વાત ખોટી
સરકારની સ્પષ્ટતા
નવી દિલ્હી, તા. 12 (એજન્સીસ ) :  ઘર ભાડે લેનાર લોકોને ભાડાની રકમ ઉપર જીએસટી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જો ભાડુત જીએસટી માટે રજિસ્ટર્ડ હોય અને તેણે જીએસટી રિટર્ન ફાઈલ કરવાનું હોય તો જ તેને જીએસટી લાગુ થશે. આવી વ્યક્તિ ભાડે અપાયેલા ઘરમાંથી કોઈ વ્યવસાયિક સેવા પૂરી પાડતી હોય તો તેણે 18 ટકા ને હિસાબે જીએસટી ભરવો પડશે એવી સપષ્ટતા સરકારે કરી છે. 
શુક્રવારે સરકારી માહિતી એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ ટવીટ કરીને કહ્યું હતું કે ભાડુતે ભાડાની રકમ પર 18 ટકા જીએસટી આપવો પડશે એવા અહેવાલો ખોટા છે. પીઆઈબીના ફેક્ટ ચેકીંગ ખાતાએ આ માહિતી આપી હતી. કોઈ પણ જગ્યા ધંધાના હેતુથી ભાડે અપાય તો જ તેના ભાડા પર ટેક્સ લાગશે એમ તેણે કહ્યું હતું. 
પીઆઈબીએ વધુમાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિને ઘર ભાડા ઉપર તેના અંગત વપરાશ માટે અપાય તો જીએસટી લાગતો નથી. કંપનીનો માલિક કે ભાગીદાર અંગત હેતુથી ઘર ભાડે આપે તો તેના પર પણ જીએસટી લાગશે નહિ. 
અઢાર જુલાઈથી અમલી બનેલા જીએસટી નિયમો અનુસાર કોઈ વ્યક્તિ જીએસટીમાં રજિસ્ટર્ડ હોય અને રહેવાસી મિલ્કત ભાડે લે તો તેણે 18 ટકાને હિસાબે જીએસટી ભરવો પડશે. પીઆઈબીએ જણાવ્યા પ્રમાણે જો ભાડુત જીએસટી રજિસ્ટર્ડ હોય તો તેણે ભાડા પર 18 ટકા જીએસટી ભરવો પડશે. 
અગાઉ જીએસટી માત્ર ધંધાદારી રિયલ એસ્ટેટને લાગુ પડતો હતો જેમાં લીઝ કે ભાડે અપાયેલા ઘર કે અૉફિસનો સમાવેશ થતો હતો. કંપનીઓ કે ખાનગી વ્યક્તિઓ રહેવાસી જગા માટે ભાડું કે લીઝની રકમ ચૂકવે તેને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવી છે. હવે નવા નિયમો અનુસાર જીએસટી રજીસ્ટર્ડ ભાડૂતે રિવર્સ ચાર્જ મિકેનિઝમ (આરસીએમ) અનુસાર ટેક્સ ભરવો પડશે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ જે ટેક્સ ભરાયો હોય તેને ભાડુત બાદ કરી શકશે . 
જીએસટીના કાયદામાં ટેક્સની રકમની ઉપલી મર્યાદા પુરવઠાના પ્રકાર અને તેના સ્થળ અનુસાર બદલાતી રહે છે. નાણાકીય વર્ષમાં માત્ર સેવાઓ પૂરી પાડનારને માટે રૂા. 20 લાખની ઉપલી મર્યાદા છે. માત્ર કૉમોડિટી વેચનાર માટે આ રકમ રૂા. 40 લાખની છે. ઈશાન ભારતમાં કે કોઈ સ્પેશિયલ વર્ગીકરણમાં આવતા વિસ્તારો માટે મર્યાદા રૂા. 10 લાખની છે. 
જે ધંધાર્થીઓ અને વ્યાવસાયીઓએ રહેવાસી મિલકત ભાડે કે લીઝ પર આપી હોય તેમને નવા નિયમોથી અસર થશે. જીએસટી કાઉન્સિલે તેની 47મી બેઠકમાં આ નિયમો અમલી બનાવ્યા હતા. જે કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે ઘર ભાડે લે છે કે પછી ગેસ્ટહાઉસ તરીકે રાખે છે તેમણે ભાડાની રકમ પર 18 ટકા જીએસટી ચૂકવવો પડશે. જે કંપનીઓ કર્મચારીઓને મફત રહેઠાણ પૂરા પાડે છે તેમના કર્મચારીઓ માટે હવે ખર્ચ વધી જશે. 
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust