હર ઘર તિરંગા અભિયાન માટે ઇ વૉર્ડમાં સાત ઠેકાણે પ્રભાતફેરી

સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાયખલાના યોગદાન વિશે પ્રદર્શન
અભિનેત્રી ડાયના પેંટી સામેલ થયા 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 13મી ઓગસ્ટથી શરૂ થતા ઘરે ઘરે તિરંગા એટલે કે હર ઘર તિરંગા અભિયાનની જનજાગૃતિ કરવા માટે પાલિકાના `ઇ' વૉર્ડની કચેરીએ આજે એક જ સમયે સાત ઠેકાણે પ્રભાતફેરી કાઢી હતી. વિશેષ અતિથિ તરીકે બૉલીવૂડ અભિનેત્રી ડાયના પેંટીની હાજરીમાં પ્રભાતફેરી નીકળી હતી. પ્રભાતફેરીના માધ્યમથી ઉપઆયુકત ચંદા જાધવે તમામ સ્થાનિક રહેવાસીઓને 13મી અૉગસ્ટથી 15મી અૉગસ્ટ સુધી ઘરે ઘરે તિરંગા ઉપક્રમ અમલમાં મૂકવાનું આવાહન કર્યું હતું તેમ જ `ઇ' વૉર્ડના સહાયક કમિશનર કિરણ દિઘાવકરે સાવિત્રીબાઈ ફુલે શાળા, પૂર્વ ભાયખલા મરાઠી શાળા, વાડીબંદર શાળા, શેઠ મોતિશા શાળા, આગ્રીપાડા શાળાના લગભગ 500 વિદ્યાર્થીઓને સંબોધન કરીને અભિયાનમાં સહભાગી બનવા પ્રોત્સાહિત કર્યા હતા. લગભગ 300 પોલીસ કર્મચારીઓ અને માન્યવરોને `ઇ' વૉર્ડ કાર્યાલય દ્વારા 13મી અૉગસ્ટથી 15મી અૉગસ્ટ દરમિયાન થનારા વિવિધ કાર્યક્રમ, ઉપક્રમની માહિતી આપી હતી. સ્વતંત્રતાની લડતમાં ભાયખલાનું યોગદાન ઉપર `ઇ' વૉર્ડે તૈયાર કરેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન અભિનેત્રી ડાયના પેંટીએ કર્યું હતું. 
`ઈ' વૉર્ડમાં પાલિકાની ઇમારતો, મેયર નિવાસ, મહારાણા પ્રતાપ ચૌક, ખડા પારસી સ્મારક, નાગપાડા ચૌકનો લાઇટિંગ વડે શણગાર સજાવટ કરવામાં આવી છે. તેમ જ વૉર્ડમાંની પાલિકાની પ્રત્યેક શાળાઓમાં સજાવટ કરવામાં આવી છે. કામાઠીપુરા વિસ્તારમાં મેરા ઘર સ્વચ્છ સુંદર ઘર નામની સ્પર્ધાનું આયોજન કરાયું છે.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust