દ્વીચક્રી વાહનમાં હેલ્મેટ વિહોણા 1.4 લાખ પિલિયન રાઈડર્સ દંડાયા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : દ્વિચક્રી વાહનોની પાછલી બેઠક પર હેલ્મેટ વગર સવારી કરી રહેલા લોકો સામે છેલ્લા બે મહિનાથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને તેના પ્રતાપે આવા વધુ લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઝુંબેશ ધીમી પડી શકે છે, કારણ કે તેનાથી લોકોને `અગવડ' પડી રહી છે. આઠ જૂન અને આઠ અૉગસ્ટ વચ્ચે દ્વિચક્રી વાહનોની પાછળની સીટ પર બેસીને સવારી કરનારા 1.4 લાખ લોકોને દંડ કરવામાં આવ્યો હતો. તેની સરખામણીમાં 1.3 લાખ ચાલકોને દંડ કરાયો હતો.
ટ્રાફિક પોલીસના આંકડા મુજબ દક્ષિણ મુંબઈમાં સૌથી વધુ પિલિયન રાઈડર્સ (પાછળની બેઠક પર બેઠેલા)ને દંડ કરાયો હતો જેની સંખ્યા 57 હજાર હતી. પશ્ચિમના પરાંઓમાં 39,000 પિલિયન રાઈડર્સને દંડ કરાયો હતો.
પાછળની સીટ પર બેઠેલા સવારોની એવી ફરિયાદ છે કે હેલ્મેટ ઉપાડવી તેમના માટે અગવડભરી છે. કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે દંડની રકમ વસૂલ કરવા પિલિયન રાઈડર્સને સરળતાથી લક્ષ્યાંક બનાવવામાં આવે છે.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust