બિહારમાં ભાજપ હારેલી બાજી જીતશે?

સ્પીકર સિન્હા છેલ્લી ઘડીનો દાવ ખેલી શકે, પખવાડિયું નિતિશકુમારને રહેશે ટેન્શન
પટણા, તા. 12: બિહારની રાજનીતિમાં હજુ બધું થાળે પડયું નથી. સમીકરણ બદલાવાની સાથે એક-એક દિવસ મહત્ત્વનો બની રહ્યો છે. કૅબિનેટના વિસ્તરણ અંગે થઈ રહેલી અટકળો વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ વિજયકુમાર સિન્હાનો રાજકીય દાવ મહાગઠબંધન માટે મુસીબતો વધારે એવું લાગી રહ્યું છે. જોકે, સત્તાધારી પક્ષોએ તેમના વિરુદ્ધ અવિશ્વાસની પ્રક્રિયા શરૂ કરી છે. પણ, વિધાનસભાના અધિવેશન માટે 24 અૉગસ્ટ સુધી રાહ જોવી ભારે પડી શકે છે.
સરકાર બદલાવાની સાથે અધ્યક્ષ રાજીનામું આપે એવી શક્યતા વધુ હોય છે. પરંતુ સિન્હાએ પદ છોડવાનું નકારી દીધું છે. તેમના આ નિર્ણય બાદ મહાગઠબંધને પણ સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ માટે વિધાનસભાના સેક્રેટરીને નોટિસ આપી છે.
જોકે આંકડા મહાગઠબંધનની તરફેણમાં હોવાથી સિન્હા સ્પીકર પદ છોડવું પડે એ લગભગ નક્કી છે. રાજ્યના મુખ્ય પ્રધાન નિતિશકુમાર અને ઉપમુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે શપથ લીધા બાદ બે પ્રધાનોની કૅબિનેટની બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે વિશ્વાસનો મત લેવા 24 અૉગસ્ટે અધિવેશન બોલાવવામાં આવશે. એ સાથે જણાવાયું કે અધિવેશનના પહેલાં જ દિવસે અવિશ્વાસના પ્રસ્તાવ અંગેની નોટિસ પર ચર્ચા કરવામાં આવશે. 
અવિશ્વાસના પ્રસ્તાવ આવે ત્યારે સ્પીકર અધ્યક્ષ પદે રહી શકતા નથી અને ડેપ્યુટી સ્પીકર કામકાજ સંભાળે છે. બિહારમાં બાલ ડેપ્યુટી સ્પીકર પદે જદયુના નેતા મહેશ્વરી હઝારી છે.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust