કાશ્મીરમાં બિહારી મજૂરની હત્યા, સીઆરપીએફના કાફલા પર ગોળીબાર

શ્રીનગર, તા. 12 : કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટ કિલિંગમાં આતંકીઓએ પ્રવાસી મજૂર એવા બિહારી શખસની ગોળી મારીને હત્યા કરી છે. કાશ્મીરમાં 8 કલાકમાં આતંકી હુમલાનો બીજો બનાવ બન્યો હતો. બિહારી મજૂરની હત્યા સિવાય આતંકીઓએ સીઆરપીએફના કાફલા ઉપર ગોળીઓ વરસાવી હતી. ટાર્ગેટ કિલિંગના વધુ એક બનાવને પગલે બિન કાશ્મીરીઓ અને સરકારી કર્મચારીઓમાં ભયનો માહોલ છે.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ગુરુ-શુક્રવારની રાત્રી દરમિયાન  આતંકીઓએ એક બિન કાશ્મીરી શખસને ગોળી ધરબી હતી. મૃતકની ઓળખ 19 વર્ષના મોહમ્મદ અમરેજ તરીકે થઈ છે તે બિહારના મધુપુરાનો રહેવાસી હતો. આતંકીઓએ ગોળી માર્યા બાદ તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાતાં ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો.   
બીજીતરફ અનંતનાગ સ્થિત બિજબેહરા થાણા વિસ્તારમાં શુક્રવારે બપોરે આતંકીઓએ પોલીસ  અને સીઆરપીએફની ટૂકડી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘવાયો હતો. આતંકીઓને તેમના અંજામ સુધી પહોંચાડવા સૈન્યએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી હતી.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust