કેજરીવાલના દાવા ઠાલાં વચનો : સંબિત પાત્રા

આનંદ કે.વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.12 : મફતની ચૂંટણીલક્ષી જાહેરાતો સંદર્ભે આપ તરફથી જણાવાયું હતું કે મોદી સરકારે તેમના નિકટના દિગ્ગજ ઉદ્યોગપતિ મિત્રોની રૂ.11 લાખ કરોડની લોન માફ કરી દીધી છે તે અંગે ભાજપના કોઇપણ નેતા સવાલ કરતા નથી. પોતાના મિત્રોને સવલત આપવા માટે કેન્દ્ર સરકારે હાલ તમામ જીવન જરૂરિયાતની રોજિંદી વસ્તુઓ ઉપર પણ કર લાદી દીધો છે. કેન્સર જેવી બીમારીની દવાઓ ઉપર કર વધારી દીધો છે. ભાજપ ઉદ્યોગપતિઓની લાખો કરોડની લોન માફ કરી દીધી તે બાબતે મૌન અને મુખ્યપ્રધાન કેજરીવાલ ઉપર આરોપ મૂકાઇ રહ્યા છે કે તમે મફતમાં રેવડી વહેચી રહ્યાં છો. 
સંબિત પાત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન કેજરીવાલ જાહેરાતો કરવામાં અગ્રેસર છે. અત્યારે તેઓ જે રીતે જાહેરાતો ઉપર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે, લાગે છે કે જાહેરાતોના મુદ્દે તેઓ રેકોર્ડ કાયમ કરશે. તથ્ય એ જ છે કે સામાન્ય જનતા માટે તેમની પાસે ઠાલાં વચનો સિવાય કશુ જ આપવા માટે નથી.
માહિતી અધિકારની આંકડાવારીનો હવાલો આપી પાત્રાએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન કેજરીવાલે વર્ષ 2015માં શિક્ષણ યોજના અમલમાં મૂકી હતી તે સમયે શિક્ષણ પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા હતા. આ યોજના મુજબ ગરીબ વર્ગના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે રૂ. દસ લાખ સુધીની સહાય કરાશે. કેજરીવાલે માત્ર કેટલાક ગણતરીના લોકોને જ મદદ કરી હતી. આંકડા જણાવે છે કે વર્ષ 2021-22માં 89 વિદ્યાર્થીઓને લાભ મળ્યો હતો. જેમાંના માત્ર બે જ વિદ્યાર્થીને અત્યારસુધી લોન મળી છે. કેજરીવાલ સરકારે તે સમયે જાહેરાતો ઉપર રૂ.19.50 કરોડનો ખર્ચ કર્યો હતો અને બે વિદ્યાર્થીઓને માત્ર રૂ.20 લાખ (પ્રત્યેકને રૂ.દસ લાખ) આપ્યા હતા. જાહેરાતો ઉપર મબલખ ખર્ચ અને સહાય માત્ર બે જણને કરી છે. કેજરીવાલ ખોટું બોલતા હોવાનું જણાઇ રહ્યું છે. ચૂંટણી નજીક આવતા જ તેમના ખોટા વચોનોનો વરસાદ શરૂ થઇ જાય છે. આ સરકારનું એક લક્ષ્યાંક છે રોજેરોજ ખોટું બોલો અને ભોળી જનતામાં ભ્રમ ફેલાવો. કેજરીવાલનો માત્ર એક જ હેતુ છે તેઓ દેખાડો કરે છે કે તેઓ વિશ્વને મદદ કરવા માગે છે, દેશ અને દેશની જનતાની સેવા માટે તત્પર છે પરંતુ હકીકત એ છે કે તેઓ હું, મારું  અને મારો પક્ષની નીતિ પર ચાલે છે. 
અરવિંદ કેજરીવાલ ટીવી મુલાકાતોમાં કહેતા જોવા મળે છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા છે. અમે બાયોકમ્પોઝ કેમિકલ બનાવ્યા છે અને દિલ્હીને પ્રદૂષણ મુકત બનાવ્યું છે. બાદમાં હકીકત સામે આવી હતી કે રસાયણ રૂ.60 લાખનું હતું અને તેની જાહેરાત પાછળનો ખર્ચ રૂ.24 કરોડ થયો હતો એમ વધુમાં પાત્રાએ જણાવ્યું હતું. 
વર્ષ 2018-19માં રૂ.6.63 લાખ કરોડ, વર્ષ 2021-22માં રૂ.7.1 લાખ કરોડનો કોર્પોરેટ ટેકસ વસુલવામાં આવ્યો હતો. આ રકમનો ઉપયોગ ગરીબો માટે થયો હોવાનું કેજરીવાલે જણાવ્યા બાદ તેની કોઇ માહિતી નથી એમ ભાજપે વધુમાં જણાવ્યું હતું. 
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust