બોરીવલીના ઇલેક્ટ્રોનિક્સના વેપારી સાથે છેતરપિંડીની પોલીસ ફરિયાદ

મુંબઈ, તા. 12 : બોરીવલીમાં ઇલેક્ટ્રોનિક્સના એક વેપારીએ ફ્લિપકાર્ટ કંપની સામે કહેવાતી છેતરપિંડી કરવાના ફરિયાદ બોરીવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ફરિયાદી જશુભાઈ વાઘાણીના જણાવ્યા પ્રમાણે ફ્લિપકાર્ટ કંપની દ્વારા એક ગ્રાહક માટે ટી.વી.નો અૉર્ડર મળ્યો હતો. તેઓએ ટી.વી. ગ્રાહક વતી આવેલી વ્યક્તિને આપી તેની સહી પણ લીધી હતી, પણ તેમના આશ્ચર્ય વચ્ચે થોડા દિવસ પછી ટી.વી.નું પાર્સલ પાછું આવ્યું હતું.
પાર્સલ તપાસતા તેમાંથી વોરેન્ટી કાર્ડ અને રિમોટ ગુમ થયેલું જણાવ્યું હતું. તેઓએ આ અંગેની ફરિયાદ ફ્લિપકાર્ટ કંપનીને કરતા તેને વેપારીને ગુમ થયેલી બે વસ્તુના ભરપાઈ પેટે રૂા. 1000 ચૂકવ્યા હતા. આ પછી બીજો ગ્રાહક ટી.વી. ખરીદવા આવ્યો અને વેપારીએ ફ્લિપકાર્ટ કંપનીના ગ્રાહકને મોકલેલું ટીવીનું પેટીપેક પાર્સલ ખોલ્યું તો તેમાંના પાર્ટસ એસેમ્બલ કરેલા અને જૂનું ટીવી જણાવ્યું હતું. તેઓએ આ અંગેની ફરિયાદ કંપનીને કરી હતી પણ કંપનીએ પહેલા ફરિયાદ કેમ નહીં કરી તેમ કહી વળતર આપવાનો ઇનકાર કર્યો હતો.
આ પછી વેપારીએ ફ્લિપકાર્ટ કંપની વિરુદ્ધ ડુપ્લીકેટ ટીવીનું વળતર નહીં ચૂકવવા બદલ ફરિયાદ કરી છે. ટીવીની કિંમત રૂા. 22,380 છે. વેપારીના જણાવ્યા પ્રમાણે અનેક કંપનીઓના ડિલિવરી બોય દ્વારા ડિલિવરી કરતી વેળા ચીજવસ્તુઓ ગુમ કરી દઈ ભળતી ચીજો તેમાં મૂકી ગ્રાહકોને છેતરવાના અનેક બનાવ બન્યા છે અને તેમાં કેટલાકની ધરપકડ પણ થઈ છે. તેમણે પોતાના કિસ્સામાં ગુનેગારોને પકડવા પોલીસને વિનંતી કરી છે. બોરીવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નિનાદ સાવંતના માર્ગદર્શન હેઠળ એપીઆઈ પવાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust