શિવસેના સામે શીંગડાં ભરાવવાની ક્ષમતા ધરાવતા શેલારને મુંબઈનું સુકાન

શિવસેના સામે શીંગડાં ભરાવવાની ક્ષમતા ધરાવતા શેલારને મુંબઈનું સુકાન
મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખપદે બાવનકુળે
નવી દિલ્હી/ મુંબઈ, તા. 12 (પીટીઆઈ) : મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપએ શુક્રવારે ચંદ્રશેખર બાવનકુળેની મહારાષ્ટ્ર એકમના પ્રમુખ તરીકે અને આશિષ શેલારની મુંબઈ એકમના વડા તરીકે નિમણૂંક કરી છે. 
ભાજપના મોવડીઓએ શિવસેના અને તેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ શીંગડાં ભરાવવા માટે જાણીતા આશિષ શેલારને ફરી મુંબઈ એકમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. શેલારે હોદ્દો સંભાળ્યા પછી જાણાવ્યું હતું કે મુંબઈમાં આગામી મેયર ભાજપનો હશે.
બાવનકુળે ઓબીસી છે અને મરાઠા સમાજના ચંદ્રકાંત પાટીલની જગ્યાએ આવ્યા છે જેમને રાજ્ય પ્રધાનમંડળમાં સ્થાન અપાયું છે. 
આશિષ શેલાર મરાઠા છે અને ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન છે. તેઓ મુંબઈ એકમના વડા તરીકે મંગલ પ્રભાત લોઢાના અનુગામી બન્યા છે.
બાવનકુળેની નિયુક્તિને 2024ની લોકસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઓબીસી મતોને અંકે કરવાના ભાજપના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
અમરાવતીમાં પત્રકારો સાથેની વાતચીતમાં બાવનકુળેએ જણાવ્યું હતું કે તેઓ 2024ની લોકસભાની ચૂંટણીમાં 45 બેઠકો અને વિધાનસભાની ચૂંટણીમાં 288માંથી 200 બેઠકો મેળવવાનું લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરશે. પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપને પ્રથમ ક્રમાંકની પાર્ટી બનાવવા માટે પોતે પ્રયત્ન કરશે, એવું તેમણે કહ્યું હતું.
બાવનકુળે 2014-19માં ફડણવીસ સરકારમાં ઉર્જાપ્રધાન હતા. તેમણે ભાજપના નાગપુર જિલ્લા ઉપપ્રમુખ તરીકે શરૂઆત કરી હતી. કામઠીમાં પક્ષના ઓર્ગેનાઈઝેશનલ સેક્રેટરી અને બાદમાં નાગપુર જિલ્લા એકમના વડા બન્યા હતા. વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા પહેલાં તેઓ નાગપુર જિલ્લા પરિષદના સભ્ય રહ્યા હતા.
મુંબઈમાં પાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આશિષ શેલારની મુંબઈ એકમના વડા તરીકે નિયુક્તિ કરાઈ છે. તેઓ આ અગાઉ પણ બે વાર આ પદે નીમાયા છે. ભાજપના શિવસેના સાથેના જોડાણ વખતે પણ તેઓ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાના મુખ્ય આલોચક રહ્યા હતા. 
2017માં શેલાર મુંબઈ એકમના વડા હતા ત્યારે ભાજપ પાલિકામાંથી શિવસેનાને રૂખસદ આપવાની તક અત્યંત ઓછા મતે ચૂકી ગઈ હતી. શેલાર બાન્દ્રા (પશ્ચિમ)માંથી ત્રણ વાર વિધાનસભ્ય રહ્યા છે. તેઓ મુંબઈ ક્રિક્રેટ એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ સંગઠનની વ્યક્તિ અને આક્રમક નેતા તરીકે જાણીતા છે. તેમણે ભાજપની વિદ્યાર્થી શાખા-એબીવીપી (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)ના મુંબઈ એકમના સેક્રેટરી તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. શેલાર ખાર (પશ્ચિમ)માંથી બે વાર નગરસેવક પણ રહી ચૂક્યા છે.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust