રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિના હર ઘર તિરંગા આભિયાનનો પ્રારંભ

રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિના હર ઘર તિરંગા આભિયાનનો પ્રારંભ
* મુંબઈમાં 41 લાખ ત્રિરંગા વિતરિત થયા
* મરીન ડ્રાઇવમાં 100 વૃક્ષો અને 60 વીજ થાંભલા પર રોશની
* કૉર્પોરેટ ક્ષેત્રએ આપ્યા પાંચ કરોડ રૂપિયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મુંબઈ સહિત આવતી કાલથી આખા દેશમાં રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિના `હર ઘર તિરંગા' અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. મુંબઈ પાલિકાએ અત્યાર સુધીમાં 41 લાખ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું છે. મહાપાલિકાના સીએસએમટી પાસે આવેલા મુખ્યાલય ઉપર આવતી કાલથી ત્રણ દિવસ સાંજે પ્રોજેક્શન મેપિંગ કરવામાં આવશે. મરીન ડ્રાઈવ પરિસરમાં 28 ઈમારતો, 100 વૃક્ષો, વીજળીના 60 થાંભલા, મહાપુરુષોની 19 પ્રતિમાઓ ઉપર રોશની કરવામાં આવી રહી છે. લોકોના સહભાગ માટે 4500 બેનર, 1500 સ્ટેન્ડીસ, 350 હોર્ડિંગ્સ, જાહેર ઉદ્ઘોષણ, વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરી, સંમેલનો અને શાળામાં વિવિધ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા સોશિયલ રિસ્પોન્સીબિલિટી ફંડ હેઠળ પાલિકાને અત્યાર સુધીમાં પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
બધા રસ્તા, ઈમારતોઅને દુકાનો ઉપર તિરંગો
ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન માટે મુંબઈ શહેર તથા ઉપનગર સજ્જ છે. તમામ રસ્તા, રહેણાંક ઇમારતો, કમર્શિયલ સેન્ટરો, દુકાનો ત્રિરંગાના રંગમાં જોવા મળશે. 13મી અૉગસ્ટથી 15મી અૉગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા ઝૂંબેશને સફળ બનાવવા માટે પાલિકા તડામાર તૈયારીઓ કરી રહી છે. પાલિકાએ જણાવ્યું હતું કે મોટાભાગના વોર્ડમાં ગરીબ વિસ્તારો ઉપરાંત સોસાયટીઓને તિરંગા ધ્વજની વહેંચણી કરી દેવાઇ છે. આ અભિયાનને સફળ બનાવવા માટે અને જનજાગૃતિ કરવા રેલીઓ કાઢવામાં આવશે. બાળકોને પ્રોત્સાહિત કરીને અભિયાનમાં સહભાગ થવાનું જણાવાયું છે. ગુરુવારે ભાતસા અને તાનસા ડેમની તસવીરો વાયરલ થઇ હતી, જેમાં પાણીમાં દેશના રાષ્ટ્રીય ધ્વજનાં ત્રિરંગ જોવા મળ્યા હતા. પાલિકા મુખ્યાલય, એલઆઇસી ઇમારત, મરીન ડ્રાઇવ, પવઇ, મુલુંડ અને પરેલની હાઉસિંગ સોસાયટીઓમાં તમામ ઘરની બાલ્કનીમાં ત્રિરંગો ધ્વજ લહેરાતો જોવા મળશે. મુંબઈ શહેરના તમામ વિસ્તારો તિરંગો ધ્વજ પોતાના ઘરોમાં લહેરાવવા માટે ઉત્સાહિત છે. 15મી અૉગસ્ટે ક્રાફર્ડ માર્કેટમાં આવેલા હજ હાઉસ ઉપર સવારે 9.30 વાગ્યે ધ્વજ લહેરાશે. ગાર્ડનો ઉપર તેમ જ અન્ય મેદાનો ઉપર પણ ત્રિરંગો લહેરાતો જોવા મળશે. આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા માટુંગાની સંઘવી મેજેસ્ટિક, મુલુંડમાં વસંત ઓસ્કાર, અંધેરી મહાકાલીમાં કાત્યાયની સોસાયટી અને દાદરમાં સિલ્વર બીચ સોસાયટીઓ સજ્જ છે.
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust