દિલ્હીને અશાંત કરવાનો કારસો વિફળ

દિલ્હીને અશાંત કરવાનો કારસો વિફળ
2200 કારતૂસ સાથે છની ધરપકડ : યુપીમાં પણ સઘન ચૅકિંગ
નવી દિલ્હી, તા. 12 : સ્વતંત્રતા દિવસના ત્રણ દિવસ પહેલા જ દિલ્હીને ધ્રુજાવવાની એક કોશિશને નાકામ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે પુર્વી જીલ્લામાંથી અંદાજીત 2 હજાર કારતુસ બરામદ કર્યા છે અને છ લોકોની ધરપકડ કરી છે. હથિયારની તસ્કરીની એક મોટી ગેંગનો પર્દાફાશ કરીને ભારે માત્રામાં દારુગોળો બરામદ કરવામાં આવ્યો છે. 75મા સ્વતંત્રતા દિવસને લઈને ભારત સુરક્ષામાં કોઈ કસર છોડી રહ્યું નથી. ભારત સરકારે પહેલી વખત કેનેડામાં પણ સ્વતંત્રતા દિવસ ઉપર સુરક્ષા વ્યવસ્થા ચાંપતી કરવા કહ્યું છે. કેનેડામાં ભારતીય મુળના લોકો દ્વારા 15મી ઓગષ્ટે કાર્યક્રમ યોજવામાં આવે છે.  એડિશનલ પોલીસ કમિશનર વિક્રમજીત સિંહના કહેવા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ આરોપીઓ અપરાધિક નેટવર્ક સાથે જોડાયેલા હોવાની આશંકા છે. જો કે આતંકી સાજીશની આશંકાનો પણ ઈનકાર કરવામાં આવ્યો નથી. ધરપકડ કરવામાં આવેલા છ લોકોમાંથી બેની ઓળખ રાશિદ અને અજમલ તરીકે થઈ છે. એક ઓટો રિક્શા ચાલક દ્વારા બન્ને અંગે સુચના આપવામાં આવી હતી. સિંહે કહ્યું હતું કે, કુલ 2251 કારતુસ બરામદ કરવામાં આવ્યા છે. જેની સુચના રિક્ષા ચાલકને હતી. રિક્ષા ચાલકે બે આરોપીને આનંદ વિહાર રેલવે સ્ટેશને છોડયા હતા. બીજી તરફ આતંકી ગતિવિધીના ઈનપુટ બાદ પશ્ચિમી યુપીના મેરઠ સહિતના ક્ષેત્રોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરે સ્થળોએ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust