રેવડી કલ્ચર પર લગામ માટે સમિતિ નિમાશે : કેન્દ્ર

રેવડી કલ્ચર પર લગામ માટે સમિતિ નિમાશે : કેન્દ્ર
કાનૂન ઘડાય ત્યાં સુધી દિશા-નિર્દેશો માટે સુપ્રીમ કોર્ટને આગ્રહ
આનંદ કે.વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.1ર : દેશમાં મફતની યોજનાઓ એટલે કે રેવડી કલ્ચર બહુ ગાજી રહ્યું છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને કેન્દ્ર સરકારે હવે સર્વોચ્ચ અદાલતને જ આ મામલે કોઈ રસ્તો કાઢવા આગ્રહ કર્યો છે. ચૂંટણીમાં રેવડી કલ્ચર પર રોક લગાવવાની કવાયત તેજ બની છે અને સરકાર 11 સદસ્યોવાળી એક નિષ્ણાંત સમિતિ ઘડવાની તૈયારીમાં છે.
ચૂંટણીને ધ્યાને રાખી રાજકીય દળો દ્વારા લોક લોભામણી જાહેરાતો અને `મફત'ના વચનો સામે નારાજગી વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટે તેને અર્થતંત્ર માટે હાનિકારક ગણાવ્યા છે. મફતની રેવડી વહેંચવા સમાન આવી જાહેરાતો પર લગામ કસવા સુપ્રીમ કોર્ટ પોતાનું બ્રહ્માત્ર ચલાવે તેવી અરજ સરકારે કરી છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને કહ્યું કે, જ્યાં સુધી મફતની યોજનાઓ અંગે સંસદમાં કોઈ કાયદો ન ઘડાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ પોતાને બંધારણિય દરજ્જે મળેલા અધિકારોનો ઉપયોગ કરીને માર્ગદર્શિકા જાહેર કરે. સાથે સરકારે ચેતવણી પણ આપી કે કેટલાક રાજકીય દળો ચૂંટણીમાં મફતવાળી લોકો લોભામણી જાહેરાતો અને વચનોનો મોટાપાયે ઉપયોગ કરી રહ્યા છે જે દેશને આર્થિક સંકટ તરફ ધકેલી રહ્યો છે. કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ચૂંટણી લડવા માટે મફત ભેટની સંસ્કૃતિને ચરમના સ્તર સુધી વધારી છે. જો કેટલાક રાજકીય દળો એવું સમજતાં હોય કે જન કલ્યાણકારી ઉપાયો લાગૂ કરવાનો આ એકમાત્ર ઉપાય છે તો તે ત્રાસદી તરફ લઈ જશે. 3 ઓગષ્ટના આદેશના જવાબમાં કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે જ્યાં સુધી ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ કોઈ પગલું ન ઉઠાવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે વ્યાપક રાષ્ટ્રહિતમાં એવા દિશા નિર્દેશ જાહેર કરવા જોઈએ કે રાજકીય દળોએ શું કરવું અને શું ન કરવું ?
કેન્દ્રએ ચૂંટણી દરમિયાન રાજકીય દળો દ્વારા કરવામાં આવતી મફત યોજનાઓની જાહેરાતોની સમીક્ષા માટે એક એકસપર્ટ પેનલની સ્થાપના પર સીજેઆઈ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ પોતાની ભલામણો રજૂ કરી હતી.  ઉલ્લેખનીય છે કે વકીલ અશ્વીની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની એક અરજીમાં રેવડી કલ્ચર પર રોકની માગ કરવામાં આવી છે. સાથે ચૂંટણી પંચને આવા રાજકીય દળોનું ચૂંટણી ચિહૃન આંચકી લેવા તથા નોંધણી રદ કરવા માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કરવા આગ્રહ કરાયો છે.
ભાજપ અને આપ મફત લહાણીના મુદ્દે આમને - સામને
ભાજપ અને આમ આદમી પાર્ટી (આપ) સતત ચૂંટણીમાં મફતની લ્હાણી અર્થાત રેવડી કલ્ચર મુદ્દે આમને સામને છે. મફતની લહાણી દેશના તેમ જ નાગરિકોના હિતમાં ન હોવાનું ભાજપે જણાવ્યું હતું. શુક્રવારે ઉત્તરપ્રદેશના મેગા એકસપ્રેસ વેના ઉદ્દઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેટલાક પક્ષો મફતની લહાણીમાં માને છે જે દેશના વિકાસને અટકાવી રહ્યા છે અને યુવાનોને ગેરમાર્ગે લઇ જઇ રહ્યા છે. રેવડી કલ્ચર અંગે સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી છે અને રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં ઉમેરાતી મફતની લહાણી મુદ્દે કટાક્ષ કર્યો છે. 
ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે ચૂંટણી નજીક આવતા જ નવી દિલ્હીના મુખ્યપ્રધાન રેવડી વહેચવા નીકળી પડે છે અને વીજ મફત અને શિક્ષણ મફતની જાહેરાતો કરે છે. ચૂંટણીમાં મફતની લ્હાણી અને કલ્યાણકારી યોજનાઓમાં ઘણું અંતર છે. કલ્યાણકારી યોજનાઓ લોકો માટે હોય છે અને સમાજના પછાત વર્ગને ટેકો આપવા જાહેર થતી હોય છે. પરંતુ ચૂંટણી દરમિયાન થતી મફતની રેવડી એટલે કે મોટી મોટી જાહેરાતો માત્ર હોય છે, લોકોના મત મેળવવા તેનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આપના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે સંબિત પાત્રાની વાતો પાયાવિહોણી અને તેમના મૂકેલા આક્ષેપોને રદિયો આપીને જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન કેજરીવાલે વડા પ્રધાન મોદીની કેન્દ્ર સરકારને ઉઘાડી પાડી દીધી છે. 
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust