રાજુ શ્રીવાસ્તવનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

રાજુ શ્રીવાસ્તવનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન
કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો. દિલ્હીના નિગમબોધ સ્મશાનગૃહમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેના ભાઈ અને દીકરાએ મુખાગ્નિ આપી હતી. રાજુને અંતિમ વિદાય આપવા પરિવારના સભ્યો, તથા અહેસાન કુરેશી, સુનીલ પાલ, મધુર ભંડારકર સહિત અનેક સેલિબ્રિટીઝ આવ્યા હતા. તેની અંતિમયાત્રા સવારે સાડા નવ વાગ્યે દિલ્હીના દ્વારકા વિસ્તારના દશરથપુરીથી શરૂ થઈ હતી. અહીં રાજુના ભાઈનું ઘર છે. ચાહકો રાજુને વિદાય આપવા ઉમટી પડયા હતા અને રાજુ શ્રીવાસ્તવ અમર રહેના નારા લગાવ્યા હતા. દોઢ મહિના સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ 21મી સપ્ટેમ્બરે રાજુએ અંતિમ શ્વાસ લીધા હતા. 
રાજુની પત્ની શિખાની આંખમાંથી આસું અટકતા નહોતા. તેણે કહ્યું હતું કે, મને આશા હતી કે તે સાજા થઈ જશે. હું રોજ પ્રાર્થના કરતી હતી, પરંતુ એવું થયું નહીં. તેઓ લડાયક હતા અને છેવટ સુધી લડતા રહ્યા. 
પીઢ હાસ્ય કવિ સુરેન્દ્ર શર્મા પણ રાજુને વિદાય આપવા પહોંચી ગયા હતા અને તેમણે ભીની આંખ તથા ભારે હૈયે તેને અલવિદા કહ્યું હતું. આંતરરાષ્ટ્રીય રેત કલાકાર સુદર્શન પટનાયકે રેતીમાં રાજુની તસવીર બનાવીને લખ્યું - હસાવતા હસાવતા રડાવી દીધા. 
રાજુનો ભાઈ કાજુ બીમાર હોવાથી અંતિમ સંસ્કારમાં આવી શકયો ન હતો તથા તેની પત્ની ગર્ભવતી છે.    વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ જેવા મહાનુભાવો અને અજય દેવગણ, અક્ષય કુમાર જેવા સ્ટાર કલાકારોએ રાજુના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust