ફેડની બેઠક પછી સોનું ઘટ્યા બાદ ફરી વધ્યું

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 : ફેડરલ રિઝર્વની બેઠકમાં ગઇકાલે વ્યાજદર 75 બેસીસ પોઇન્ટ વધારવામાં આવ્યો છે. એની અસરથી ડોલરના મૂલ્યમાં ફાટફાટ તેજી આવતા સોનાનો ભાવ એક તબક્કે 1655 ડોલર સુધી નીચે આવી ગયો હતો. જોકે ડોલર તેજી જાળવી ન શકતા સોનું ઘટાડો પચાવીને 1679 થઇને આ લખાય છે ત્યારે 1667 ડોલરના મથાળે હતુ. ચાંદીનો ભાવ પણ સાધારણ સુધરીને 19.52 ડોલરની સપાટીએ હતો. અમેરિકાના બોન્ડ યીલ્ડ નબળા પડ્યા છે. ફેડરલ રિઝર્વની બેઠક બાદ ચેરમેને ભવિષ્યમાં કેટલાક વ્યાજદર વધારા આવશે તે અંગે નિરાશાજનક નિવેદન કર્યું હોવાથી બજારમાં નિરાશા ફેલાઇ છે. 
સીએમસી માર્કેટના માઇકલ હ્યુસન કહે છે, અમેરિકાના બોન્ડ યીલ્ડ સોનાના ભાવ પર દબાણ સર્જી રહ્યા હતા પણ ફટાફટ તે નીચે આવવા લાગ્યા છે અને ડોલર પણ નબળો પડવા લાગતા સોનાના ભાવ સુધરવામાં કામિયાબ રહ્યા છે. ફેડ વ્યાજદર વધારો માર્ચ મહિનાથી કરી રહી છે અનેસોનાનો ભાવ એના કારણે ઘટતો જાય છે. ફેડ આવતી બેઠકોમાં પણ વ્યાજદર વધારા ચાલુ રાખે તો સોનાના ભાવ તૂટવાની પૂરતી સંભાવના છે. ફેડે ફુગાવાને કાબૂમાં રાખવા માટે આવનારા દિવસોમાં વધુ વ્યાજદર વધારા કરવા પડે તો પણ કરશે એવું નિવેદન આપ્યું છે. 
સોનાના ભાવ વ્યાજદર અને બોન્ડને લીધે 2000 ડોલરની ઉંચાઇથી અત્યારે 20 ટકા તૂટી ગયા છે. બોન્ડના યીલ્ડ અમેરિકામાં 2011 પછીની ટોચ પર છે એ કારણે પણ સોનાની ખરીદી હળવી પડી ગઇ છે. 
ફેડ દ્વારા મોટાંપાયે વ્યાજદર વધારા કરાઇ રહ્યા છે અને તેના કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે, આવનારા દિવસોમાં પણ આ પ્રક્રિયા ચાલુ રહેવાની શક્યતા છે. જોકે ફેડનો વ્યાજદર વધારો અર્થતંત્રને રિસેશન તરફ લઇ જાય એવો વખત પણ આવી શકે છે એટલે નીચાં ભાવ થાય એટલે સોનામાં ફિઝીકલ ખરીદીને ટેકો મળશે તેમ રેલીગેર બ્રોકીંગની એક નોંધમાં જણાવાયું છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.200ના સુધારામાં રૂ.51650 અને ચાંદીનો ભાવ એક કિલો દીઠ રૂ. 500 ઉંચકાઇને રૂ. 57500 રહ્યો હતો. મુંબઇ સોનું રૂ. 288 વધતા રૂ. 49894 અને ચાંદી રૂ. 676ની તેજીમાં રૂ. 57343 રહી હતી.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust