નરીમાન પોઇન્ટની કંપનીમાંથી રૂા. 48 લાખની ઉચાપત : મહિલા મૅનેજર વિરુદ્ધ ગુનો

મુંબઈ, તા. 22 : નરીમાન પાઇન્ટ ખાતે ખાનગી કંપનીના બેન્ક ખાતામાંથી વેતન કરતા વધુ રકમ કાઢવાને મામલે કંપનીની મહિલા મૅનેજર વૈશાલી વિપુલ કોટક વિરુદ્ધ કફ પરેડ પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપી મહિલાએ કંપનીના કર્મચારીઓના નામના સ્થાને વિવિધ યાદીમાં પોતાનું નામ મૂકીને પોતાના બૅન્ક ખાતામાં રકમ મેળવી હતી. કંપનીના સંચાલકે તેના ઉપર વિશ્વાસ મૂકીને તેનો ફોન નંબર બૅન્ક ખાતામાં નોંધાવ્યો હતો. આ મામલે રૂા. 48.66 લાખની છેતરપિંડી કરી હોવાનો તેના ઉપર આરોપ છે. નરીમાન પોઇન્ટની ખાનગી કોમોડિટી કંપનીની વરિષ્ઠ મૅનેજર વૈશાલી વિપુલ કોટક વિરુધ્ધ મંગળવારે પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. કંપનીના ગોડાઉન અને ત્યાં મૂકાયેલી વસ્તુ, સામગ્રીઓની દેખરેખ અને હિસાબનું કામ તે જોતી હતી. 
કંપનીનાં 500 ઠેકાણે 700 ગોડાઉન છે અને લગભગ એક હજાર કર્મચારીઓ કામ કરે છે. આ કર્મચારીઓના પગાર અને અન્ય ખર્ચની પ્રક્રિયા મુંબઇના મુખ્યાલયથી થાય છે. આરોપી મહિલા અૉકટોબર, 2021માં કંપનીમાં જોડાઇ હતી. કર્મચારીઓના પગાર અને કંપનીની નેટ બૅન્કિંગનો વ્યવહાર સહિત કંપનીના તમામ આર્થિક કામો તે જોતી હતી. ફરિયાદી કંપનીએ તમામ કર્મચારીને ત્રણ શ્રેણીમાં વર્ગીકરણ કર્યા હતા તેથી કોટક દર મહિને કર્મચારીઓના પગાર માટે ત્રણ જુદી જુદી એકસેલ શીટ કંપનીના સંચાલક વિદ્યા શેખસરિયાને મોકલતી હતી. ત્યારબાદ સંચાલક ચેક રિલીઝ કરતા હતા. માર્ચ 2022માં એકાઉન્ટ વિભાગના કર્મચારી અને કોટકના સહાયકને બિલમાં ખામી જોવા મળી હતી. આ બિલને પગલે ગત બે વર્ષથી થયેલી ચોરીની જાણ કંપનીને થઇ હતી. કોટકને આ બાબતે સવાલ કરાતા તેણે કંપની સાથે દગો કર્યો હોવાની કબુલાત કરી હતી. કેટલાક મહિનામાં તેણે એક કરતા વધુવાર પગાર લીધો હતો. અત્યાર સુધીમાં તેણે રૂ.48.66 લાખ લીધા હોવાનું ઓડિટ અહેવાલમાં સામે આવ્યું હતું. તે અનુસાર મંગળવારે કોટક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 408 હેઠળ કફ પરેડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust