ઉલ્હાસનગરમાં સ્લેબ તૂટી પડતાં ચારનાં મોત; એકને ઇજા

થાણે, તા. 22 (પીટીઆઇ) : થાણેના ઉલ્હાસનગરમાં આજે ત્રણ માળની ઇમારતનો એક સ્લેબ તૂટી પડતા આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઇને ચાર જણનાં મૃત્યુ થયા હતા, જ્યારે એક જણને ઇજા થઇ હતી. કાટમાળ નીચે હજી કેટલાક લોકો દબાયેલા હોવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. ઘટનાની જાણકારી મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને અગ્નિશમન દળની ટીમે રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અધિકારીઓ અનુસાર ઇમારત ગેરકાયદે હતી અને તેને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં આ ઇમારતમાં લોકો રહેતા હતા. ઉલ્હાસનગરની તહસીલદાર કોમલ ઠાકુરે જણાવ્યું હતું કે, ઉલ્હાસનગર કેમ્પ પાંચમાં સ્થિત ત્રણ માળની ઇમારતનો સ્લેબ ગુરુવારે સવારે 11.30 વાગ્યે તૂટી પડયો હતો. અધિકારી અનુસાર દુર્ઘટનામાં મૃત પામેલાઓની ઓળખ સાગર ઓછાણી (19), પ્રિયા ધનવાણી (24), રેણુ ઢોલંદાદાસ ધનવાણી (54) અને ધોલદાસ ધનવાણી (58) તરીકે થઇ છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust