અમેરિકા ખતમ કરશે રશિયન હથિયારો ઉપર ભારતની નિર્ભરતા

ઊર્જા અને સૈન્ય આપૂર્તિ મુદ્દે વિકલ્પ શોધવામાં મદદ
વૉશિંગ્ટન, તા. 22 : ભારત દ્વારા રશિયા પાસેથી હથિયાર અને ક્રૂડ ખરીદવાની પ્રક્રિયા ઉપર પૂર્ણવિરામ લાગી શકે છે. હકીકતમાં મોદી સરકારે અમેરિકા સાથે આ મુદ્દે વાતચીત શરૂ કરી દીધી છે. અમેરિકી વિદેશ વિભાગના કહેવા પ્રમાણે ભારત સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવી રહી છે. 
જો સહમતિ બનશે તો રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પાડી શકાશે. યુક્રેન યુદ્ધની શરૂઆત બાદથી જ વૈશ્વિક સ્તર ઉપર ક્રૂડ અને ગેસની કિંમતમાં તેજી જોવા મળી છે. 
આ દરમિયાન રશિયાએ ભારતને સસ્તા ક્રૂડની ઓફર આપી હતી. જેનો મોદી સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. જો કે અમેરિકાએ ભારતના આ નિર્ણય ઉપર નારાજગી વ્યક્ત કરી હતી.
અમેરિકાએ કહ્યું હતું કે, ભારત દ્વારા કરવામાં આવતી ખરીદીથી રશિયા ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધ નબળા પડી જશે. તેવામાં ભારત અને રશિયા વચ્ચે દૂરીથી સીધો ફાયદો ચીનને થઈ શકે છે. અમેરિકી વિદેશ વિભાગના એક અધિકારીએ ન્યૂયોર્કમાં કહ્યું હતું કે, રશિયા હવે વિશ્વાસપાત્ર હથિયાર આપૂર્તિકર્તા રહ્યું નથી. અમેરિકા ભારતને સમજાવી રહ્યું છે કે નવા બજારથી શોધથી લાભ થઈ શકે છે. 
અધિકારીના કહેવા પ્રમાણે ભારત રશિયા ઉપર વધુ પડતું નિર્ભર છે અને નિર્ભરતા 40 વર્ષમાં પોતે જ વધારી છે. પહેલાં સેના મુદ્દે રશિયા ઉપર નિર્ભર હતું અને હવે ઊર્જા મુદ્દે રશિયા ઉપર નિર્ભર છે. આ માટે ભારત સાથે તમામ મુદ્દે વાતચીત કરવામાં આવી રહી છે. જેની વિવિધતાથી ભારતને પણ ફાયદો પહોંચી શકે છે. વધુમાં અમેરિકા વિકલ્પ શોધવા માટે ભારતની મદદ કરવા માગે છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust