નર્મદાના વિસ્થાપિતોને વળતર : સુપ્રીમ કોર્ટ આદેશની સમીક્ષા નહીં કરે

પ્રત્યેક પરિવારને રૂા. 60 લાખનું વળતર નિયત કરેલું
નવી દિલ્હી, તા. 22 : સુપ્રીમ કોર્ટે નર્મદા નદી પર સરદાર સરોવર પરિયોજનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારને રૂા. 60 લાખનું વળતર ચૂકવવાના પોતાના 2017ના આદેશમાં સુધારાની માંગ કરતી એક અરજીને ફગાવી દીધી હતી. ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે, વળતર માટે રૂા. 60 લાખનું અંતિમ 
પેકેજ નક્કી થઈ ગયા બાદ તેમાં સંશોધન થઈ શકે નહીં. કારણ કે, તેમ કરવું એ અદાલતના આદેશની મૂળભૂત સમીક્ષા થઈ જશે.
એક વિસ્થાપિત તરફથી ઉપસ્થિત ધારાશાત્રી સંજય પરીખે દલીલ કરી હતી કે, ટોચની અદાલતના આદેશના ઝીણવટથી અભ્યાસ બાદ ખબર પડે છે કે વળતર પ્રતિ હેક્ટર 30 લાખ આંકવામાં આવે છે અને વાસ્તવિક વળતર રૂા. 1.28 કરોડે પહોંચે છે. અદાલતે જણાવ્યું હતું કે, બંધારણની 142મી કલમ હેઠળ અદાલતે આદેશ આપ્યો હતો અને આ અરજી હેઠળ તે આદેશમાં સુધારા કે સ્પષ્ટતા કરી શકાય નહીં.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust