મુસ્લિમોને રિઝવવાનો શિંદે-ફડણવીસ સરકારનો પ્રયાસ?

મુસ્લિમોને રિઝવવાનો શિંદે-ફડણવીસ સરકારનો પ્રયાસ?
યુપી, એમપી બાદ હવે મહારાષ્ટ્રનાં 56 શહેરમાં થશે મુસ્લિમ સર્વે
તેમ છતાં આવા કોઈ પણ સર્વે માટે ફડણવીસનો ઇનકાર
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રનાં 56 શહેરમાં મુસલમાનો માટેનું સર્વેક્ષણ થવાનું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ટૂંક સમયમાં મુસ્લિમ સમુદાય અંગેની વિસ્તૃત માહિતી ભેગી કરવામાં આવશે. મુસ્લિમ અનામત રદ કરનારી શિંદે-ફડણવીસ સરકારે રાજ્યનાં 56 શહેરમાં મુસ્લિમ સર્વે હાથ ધરવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે, પરંતુ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ અંગે ઇનકાર કર્યો હતો. 
ઉલ્લેખનીય છે કે નવ વર્ષથી મુસ્લિમ સમુદાય અંગેનો આ સર્વે લટકી પડયો છે. ઉત્તર પ્રદેશમાં મદરેસાઓનો સર્વે ચાલી રહ્યો છે. 
આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત હિન્દુઓ અને મુસલમાનોની વચ્ચેનો સંઘર્ષ ઓછો કરવાના પ્રયાસ હેઠળ મુસલમાનોમાં સ્વીકાર્યતા રાખનારી મુસ્લિમ હસ્તીઓની મુલાકાત લઇ રહ્યા છે. એવામાં એવી ચર્ચા શરૂ થઇ છે કે ભાજપ અને આરએસએસ મુસલમાનોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં મુસ્લિમ સર્વેની વાત પણ સામે આવી રહી છે. 
મહારાષ્ટ્રનાં જે 56 શહેરમાં સર્વે કરવામાં આવનાર છે તેમાં ઔરંગાબાદ, સોલાપુર અને નાંદેડ જેવાં શહેર હશે. મુસ્લિમોની વસ્તીઓ કેવી છે, તેમાં નાગરી સુવિધાઓ પહોંચી રહી છે કે નહીં, તેઓમાં શિક્ષણનો પ્રસાર થઇ રહ્યો છે કે નહીં, સ્વાસ્થ્ય, રોજગાર, આર્થિક મદદ, સરકારી યોજનાના લાભ વગેરેના ડેટા ભેગા કરવામાં આવશે.
મુસ્લિમ સર્વેની જરૂર શા માટે?
2013માં રાજ્યમાં કૉંગ્રેસ-એનસીપીની સરકાર હતી ત્યારે મોહમ્મદ ઉર રહેમાનના નેતૃત્વ હેઠળ મુસ્લિમ સમુદાયના જીવન સ્તરને સુધારવા માટે એક સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ પોતાના અહેવાલમાં મુસ્લિમ વસ્તીના સર્વેની દરખાસ્ત કરી હતી. છેલ્લાં દસ વર્ષમાં આ અંગે કોઇ પગલાં લેવાયાં નહોતાં, પરંતુ ત્રણ મહિના પહેલા આવેલી શિંદે-ફડણવીસની સરકાર આ કામ પૂર્ણ કરવા જઇ રહી છે. મુસ્લિમ સર્વે પાછળ પણ ઘણાં કારણ છે. રાજ્યમાં 56 શહેરમાં મુસ્લિમ સમાજની વસ્તી વધુ છે. મહારાષ્ટ્રમાં કુલ મુસ્લિમ વસ્તી 10.6 ટકા છે જેમાંથી 70 ટકા વસ્તી શહેરમાં છે. મહારાષ્ટ્રની કુલ મુસ્લિમ વસ્તીના 21.6 ટકા લોકો મુંબઈમાં રહે છે. સરકારી સેવાઓમાં મુસ્લિમોની હિસ્સેદારી 11 ટકા છે. 70 ટકા મુસ્લિમ કોઇને કોઇ ક્ષેત્રમાં કુશળ છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust