શિવાજી પાર્કમાં રૅલી ઉદ્ધવ યોજશે કે શિંદે, હાઈ કોર્ટ કરશે આજે ફેંસલો

શિવાજી પાર્કમાં રૅલી ઉદ્ધવ યોજશે કે શિંદે, હાઈ કોર્ટ કરશે આજે ફેંસલો
દશેરા રૅલી : શિંદે જૂથે પણ ખખડાવ્યા હાઈ કોર્ટના દરવાજા
મુંબઈ, તા. 22 : દાદરના શિવાજી પાર્કમાં દશેરા રૅલી યોજવા માટેની શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અરજી પર આજે (શુક્રવારે) સુનાવણી કરશે. ગુરુવારે શિવસેનાના ઉદ્ધવ જૂથે બપોરે કોર્ટમાં સુધારિત અરજી કરી હતી જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો અને સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખી હતી. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સદા સરવણકરે પણ દશેરા રૅલી માટે પરવાનગી માગતી અરજી હાઈ કોર્ટમાં કરી છે. તેના પર પણ શુક્રવારે (આજે) સુનાવણી થવાની છે. 
ઠાકરે જૂથ તરફથી આજે કોર્ટમાં વરિષ્ઠ વકીલ એસ્પી ચિનોયએ અને શિંદે જૂથ તરફથી વકીલ જનક દ્વારકાદાસે દલીલ કરી હતી. શિંદે જૂથ તરફથી જે દખલગીરી કરવા માટેની અરજી કરાઇ હતી તેને પડકારીને ઉદ્ધવ જૂથે સુધારિત અરજી કરવાની પરવાનગી માગી હતી. કોર્ટે ઉદ્ધવ જૂથને તે માટેની પરવાનગી આપી હતી. 
શિવસેના દ્વારા દર વર્ષે શિવાજી પાર્કમાં દશેરા રૅલીનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખતે શિંદે જૂથે પણ ત્યાં રૅલી યોજવાની પરવાનગી માગતા પાલિકા મૂંઝવણમાં મુકાઇ હતી. શિંદે જૂથને પહેલાથી બીકેસીમાં રૅલી યોજવાની પરવાનગી મળી ગઇ છે, પરંતુ ઉદ્ધવ જૂથને હાઇ કોર્ટના દરવાજા ખખડાવવાનો વારો આવ્યો છે. ઉદ્ધવ જૂથે પાલિકાના જી-નોર્થ વૉર્ડના આસિસ્ટન્ટ કમિશનરના વિરોધમાં હાઇ કોર્ટમાં અરજી કરી હતી.
પાલિકાએ શિવસેનાનાં બન્ને જૂથોની અરજી નકારી 
મુંબઈ મહાનગરપાલિકાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે દાદરના શિવાજી પાર્કમાં દશેરા રૅલી યોજવા માટેની શિંદે અને ઉદ્ધવ જૂથની અરજીને નકારી કાઢી હતી. પાલિકાએ આ અંગે હાઇ કોર્ટની સુનાવણીમાં જણાવ્યું હતું. 
પાલિકા દ્વારા વરિષ્ઠ વકીલ મિલિંદ સાઠેએ પોતાની બાજુ રજૂ કરી હતી. હાલની રાજકારણની સ્થિતિ જોઇએ તો દશેરા રૅલી માટે કોઇ એક જૂથને પરવાનગી આપવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ થઇ શકે છે, એવી ભૂમિકા પાલિકાએ અપનાવી હતી.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust