ગંગાનો વેગ ઘટશે ઓગળી રહ્યો છે ગંગોત્રી ગ્લેશિયર

ગંગાનો વેગ ઘટશે ઓગળી રહ્યો છે ગંગોત્રી ગ્લેશિયર
મેદાની વિસ્તારની લોકમાતાઓના મુખ્ય સ્રોત ઉપર જોખમ
નવી દિલ્હી, તા. 22 : ભારતીય સરહદમાં આવતા હિમાલયમાં 9575 ગ્લેશિયર છે. જેમાંથી 968 ગ્લેશિયર ઉત્તરાખંડમાં છે. મોટાભાગના ગ્લેશિયરનું પાણી કોઈને કોઈ રીતે લોકોની તરસ છીપાવી રહ્યું છે. ગંગા, ઘાઘરા, મંદાકિની, સરસ્વતી જેવી નદીઓ ભારતના મેદાની હિસ્સામાં જીવન આપી રહી છે. તેવામાં આ નદીઓમાં આવતાં પાણીનો સ્રોત પૂરો થાય તો શું થશે? આ સવાલ સતત ઉઠી રહ્યો છે કારણ કે છેલ્લાં 87 વર્ષમાં ગંગોત્રી ગ્લેશિયર 1700 મીટર ઓગળી ગયો છે. 
દેશની સૌથી પવિત્ર ગણાતી ગંગા નદી આ ગ્લેશિયરમાંથી જ નીકળે છે અને અહીંયાથી જ ગંગાને જીવન મળે છે. દેહરાદૂન સ્થિત ઇન્સ્ટિટયુશન ઓફ હિમાલય જીઓલોજીના વૈજ્ઞાનિક ડો. રાકેશ ભામ્બરીએ એક અભ્યાસ કર્યો છે. જેમાં ખુલાસો કરવામા આવ્યો છે કે 1935થી 2022 સુધીમાં ગંગોત્રી ગ્લેરિશયર 1700 મીટર ઓગળી ગયો છે. જેનું કારણ વધી રહેલું તાપમાન, ઓવી બફરવર્ષા અને વધારે વરસાદ છે. ડો. રાકેશે  કહ્યું છે કે તાપમાન કેવી રીતે વધી રહ્યું છે તે સૌ કોઈ જાણે છે. ચોમાસાની વિદાય થવી જોઈતી હતી પણ દેહરાદૂનમાં ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. આ જ હાલત અન્ય સ્થળોની પણ છે. હવામાન સતત બદલી રહ્યું છે. તેવામાં હિમાલય વિસ્તારમાં કેટલી અસર થશે તેની અટકળ મુશ્કેલ બની છે. 
ડો. રાકેશના કહેવા પ્રમાણે ગંગોત્રી ગ્લેશિયર 30 કિમી લાંબો છે. છેલ્લાં 87 વર્ષમાં તેમાં 1700 મીટરનો ઘટાડો આવ્યો છે. આ પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે. જો કે ક્યાં સુધીમાં પૂરો ગ્લેશિયર ઓગળી જશે તે સવાલનો જવાબ આપવો મુશ્કેલ છે, કારણ કે ગ્લેશિયર ઓગળવા પાછળ ઘણાં કારણો હોય છે તેમજ ગંગોત્રી ગ્લેશિયર ખૂબ જ અનસ્ટેબલ છે. ડો. રાકેશે કહ્યું હતું કે, વધારે વરસાદનાં કારણે ગ્લેશિયરનો આગળનો ભાગ ઝડપથી ઓગળી ગયો હતો. ડાઉનસ્ટ્રીમમાં પાણીનું વહેણ ઝડપી બન્યું હતું, કારણ કે વરસાદમાં સ્ટેબિલિટી ખૂબ જ ઓછી રહે છે અને કોઈપણ ગ્લેશિયર ઓગળવાનો દર વધે છે. વર્તમાન સમયે બે ડઝન ગ્લેશિયરો ઉપર વૈજ્ઞાનિકોની નજર છે. જેમાં ગંગોત્રી, ચોરાબારી, દુનાગીરી, ડોકરિયાની અને પિંડારી મુખ્ય છે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust