મધ્ય રેલવેમાં પીક-અવર્સમાં રેલવે સેવા ઠપ્પ

મધ્ય રેલવેમાં પીક-અવર્સમાં રેલવે સેવા ઠપ્પ
નોકરી-ધંધા પર નીકળેલા પ્રવાસીઓને હાલાકી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મધ્ય રેલવેમાં આજે સવારે દાદર રેલવે સ્ટેશને સિગ્નલ સિસ્ટમમાં ખામી સર્જાવાને કારણે લોકલ સેવા ખોરવાઇ હતી. સિગ્નલ સિસ્ટમમાં સર્જાયેલી ખામીને કારણે ફાસ્ટ લાઇનની ટ્રેનોને અસર પહોંચી હતી. દાદરથી સીએસએમટી તરફ જતી લોકલ સેવા ઠપ્પ થઇ હતી. રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું, પરંતુ પીક અવર્સમાં આ સમસ્યા સર્જાતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો.  
સિગ્નલ સિસ્ટમ ઠપ્પ થવાને કારણે ફાસ્ટ લાઇન પર લોકલ અને એક્સ્પ્રેસ ટ્રેનોનું બંચિંગ થયું હતું. આ સમસ્યા સવારે સાત વાગ્યાની આસપાસ થઇ હતી. 
દાદર રેલવેમાં થયેલી સમસ્યાને કારણે એક્સ્પ્રેસ અને લોકલ ટ્રેનો સીએસએમટીથી બહાર નીકળી જ નહોતી. ટ્રેનો ન મળવાને કારણે થાણે, કુર્લા, ઘાટકોપર, ડોંબિવલી વગેરે સ્ટેશનો પર પ્રવાસીઓની મોટી ભીડ જોવા મળી હતી. નોકરી-ધંધા પર નીકળેલા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો. 
રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું અને ટ્રેનો ફરી દોડવા લાગી હતી, પરંતુ થોડી મોડી દોડી રહી હતી. 
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust