યુનોમાં પાકિસ્તાનને ભારતની ફટકાર

યુનોમાં પાકિસ્તાનને ભારતની ફટકાર
લઘુમતી અધિકારોની શિખામણને બદલે પાકિસ્તાનમાં અત્યાચારો બંધ કરો
સંયુક્તરાષ્ટ્ર, તા. 22 : ભારતે સંયુક્તરાષ્ટ્રમાં લઘુમતીઓના મુદ્દ્ઁ પાકિસ્તાનની બોલતી બંધ કરી નાખી હતી. લઘુમતીઓના અધિકારો પર જ્ઞાન દેતું પાક ખુદ નિયમોના લીરા ઉડાવે છે, તેવું યુનોમાં ભારતના સંયુક્ત સચિવ શ્રીનિવાસ ગોત્રુએ જણાવ્યું હતું.
પાકના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારત પર નિશાન સાધતાં કહ્યું કે, ત્યાં ઇસ્લામો ફોબિયા છે. તેમણે કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો.
બિલાવલ પર પલટવારમાં ભારતીય સંયુક્ત સચિવ ગોત્રુએ કહ્યું હતું કે, પાકમાં લઘુમતી સમુદાયની કન્યાઓનું અપહરણ બળજબરીથી લગ્ન ધર્માંતરણ જેવા અત્યાચારોના મામલા કોઇથી છુપા નથી.
પાકિસ્તાની પ્રતિનિધિમંડળ ભારત વિરુદ્ધ ખોટા આરોપો મૂકીને સંયુક્તરાષ્ટ્રના મંચનો દુરુપયોગ કરે છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
શ્રીનિવાસે જણાવ્યું હતું કે, પાકિસ્તાને લઘુમતી સમુદાય પર જે અત્યાચાર કર્યા છે, તે આખી દુનિયા જાણી ચૂકી છે.
આશા છે કે, યુનો મહાસભા જેવી બેઠકોનો દુરુપયોગ અને તેમાં રાજનીતિ કરવાનો પ્રયાસ પાક હવે નહીં કરે, તેવું તેમણે કહ્યું હતું.
ગોત્રુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અમારા આંતરિક મામલામાં પાકિસ્તાન માથું ન મારે.

Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust