રાજકોટમાં આજથી ઇરાની ટ્રૉફી

સૌરાષ્ટ્ર સામે રેસ્ટ અૉફ ઇન્ડિયાની ટક્કર
રાજકોટ, તા.30 : રમતપ્રેમી રાજકોટના આંગણે 39 વર્ષના લાંબા અંતરાલ બાદ આવતીકાલ શનિવારથી ઇરાની ટ્રોફીનો પાંચ દિવસીય મુકાબલો શરૂ થશે. જેમાં 2019-20ની રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમની ટક્કર રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ વિરૂધ્ધ થશે. ખંઢેરી સ્થિત એસીસીએ સ્ટેડિયમમાં રમાનાર ઇરાની ટ્રોફીના મેચમાં દર્શકોને ફ્રી એન્ટ્રી મળશે. આ મેચમાં ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, જયદેવ ઉનડકટ, ઉમરાન મલિક, સરફરાજ ખાન, મયંક અગ્રવાલ અને યશસ્વી જયસ્વાલ જેવા અનેક સ્ટાર ખેલાડી ભાગ લઇ રહ્યા છે.
બન્ને ટીમના ખેલાડીઓએ આજે એસસીએ સ્ટેડિયમમાં જોરદાર નેટ પ્રેકટીસ કરી હતી. આ તકે મેચ પૂર્વેની પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે જણાવ્યું હતું કે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળશે. જેનો અમે લાભ લેશું. ટીમમાં ચેતેશ્વર પુજારા સામેલ થતાં અમારી સ્થિતિ મજબૂત બની છે. પુજારાનું હાલનું ફોર્મ શાનદાર છે. ઇરાની ટ્રોફીનો મેચ જીતવા સૌરાષ્ટ્રની ટીમ કોઇ કસર છોડશે નહીં. સૌરાષ્ટ્રની ટીમ અનુભવી અને યુવા ખેલાડીઓનું મિશ્રણ ધરાવે છે. ખેલાડીઓમાં જીતનો ઉત્સાહ છે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust