નાની બચત યોજનાના વ્યાજદરમાં વધારો : વરિષ્ઠ નાગરિકો, ખેડૂતોને રાહત

નવી દિલ્હી, તા. 30 : કેન્દ્ર સરકારે ગઈકાલે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ની ધિરાણ નીતિ જાહેર થવાની પૂર્વસંધ્યાએ નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં 0.30 ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. તેનાથી વિશેષરૂપે વરિષ્ઠ નાગરિકો અને ખેડૂતોને મોંઘવારી વચ્ચે લાભ મળશે.
આ સુધારા મુજબ ત્રણ વર્ષની મુદતની ડિપૉઝિટના વ્યાજદર 5.5 ટકાથી વધીને 5.8 ટકા કર્યા છે જે આ નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે લાગુ પડશે.
સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (વરિષ્ઠ નાગરિકો માટે) અૉક્ટોબર-ડિસેમ્બર ગાળા માટે વ્યાજદર 7.4 ટકાથી વધારીને 7.6 ટકા કરવામાં આવ્યા છે.
કિસાન ક્રેડિટ કાર્ડ સંદર્ભે સરકારે મુદત અને વ્યાજદર બંનેમાં સુધારણા કરી છે.
આરબીઆઈએ ગયા મે માસથી ધિરાણદરોમાં 1.40 ટકાનો કુલ વધારો કર્યો હોવાથી તેને અનુસરીને વિવિધ બૅન્કોએ તેમની ટર્મ ડિપૉઝિટ ઉપરના વ્યાજદરમાં વધારો કર્યો છે.
0.30 ટકા સુધીના વધારાની સૌથી વધુ રાહત વરિષ્ઠ નાગરિકો અને ખેડૂતોને મળશે. જોકે, ઊંચા વ્યાજદરનો બોજ વધવાની ધારણાએ સરકારે તમામ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો નથી. જોકે કિસાન વિકાસ પત્રની પાકતી મુદતની મર્યાદા 124 મહિનાથી ઘટાડીને 123 મહિનાની કરવામાં આવી છે.
જોકે નાણાં મંત્રાલયે સેવિંગ્સ ડિપૉઝિટ સ્કીમ (4 ટકા), એક વર્ષની એફડી (5.5 ટકા), પાંચ વર્ષની એફડી (6.7 ટકા), પાંચ વર્ષની રિકરિંગ ડિપૉઝિટ (5.8 ટકા), એનએસસી (6.8 ટકા), પીપીએફ (7.1 ટકા) અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ (7.6 ટકા)ના વ્યાજદરોમાં કોઈ વધારો કર્યો નથી.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust