ચાવીરૂપ આઠ ક્ષેત્રોનો વિકાસ અૉગસ્ટમાં ધીમો પડયો

ચાવીરૂપ આઠ ક્ષેત્રોનો વિકાસ અૉગસ્ટમાં ધીમો પડયો
એપ્રિલ-અૉગસ્ટની રાજકોષીય ખાધ લક્ષ્યના 32.6 ટકા થઈ
નવી દિલ્હી, તા. 30 : માળખાકીય કોરનાં આઠ ચાવીરૂપ ક્ષેત્રોનું ઉત્પાદન અૉગસ્ટમાં 3.3 ટકા વધ્યું હતું. પાછલા નવ મહિનામાં આ સૌથી ઓછો વૃદ્ધિદર છે. અૉગસ્ટ, 2021માં ઇન્ડેક્સ 12.2 ટકા થયો હતો.
ચાવીરૂપ આઠ માળખાકીય ક્ષેત્રોનો ઉત્પાદનનો વિકાસદર આ નાણાં વર્ષના એપ્રિલથી અૉગસ્ટ મહિના દરમિયાન 9.8 ટકા રહ્યો હતો, જે ગત વર્ષે સમાન ગાળામાં 19.4 ટકા હતો. આઠ ચાવીરૂપ માળખાકીય ક્ષેત્રોમાં કોલસો, ક્રૂડ અૉઈલ, નેચરલ ગૅસ, રિફાઈનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને ઈલેક્ટ્રિસિટીનો સમાવેશ થાય છે.
આ અગાઉ નવેમ્બર, 2021માં આઠ ચાવીરૂપ ક્ષેત્રોનો વિકાસદર સૌથી ઓછો 3.2 ટકા નોંધાયો હતો.
ઈન્ડેકસ અૉફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડકશન (આઈઆઈપી)માં આઠ ચાવીરૂપ ઉદ્યોગોનો હિસ્સો 40.27 ટકા છે.
દરમિયાન, સરકારે આજે પ્રસિદ્ધ કરેલા આંકડા અનુસાર ચાલુ નાણાં વર્ષના પહેલા પાંચ મહિનામાં દેશની રાજકોષીય ખાધ વાર્ષિક લક્ષ્યના 32.6 ટકા થઈ હતી. એક વર્ષ પહેલા અૉગસ્ટ સુધી તે 31.1 ટકા હતી. આ નાણાં વર્ષના એપ્રિલથી અૉગસ્ટ દરમિયાન ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત રૂા. 5,41,601 કરોડનો થયો હતો.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust