દાંડિયા, ગરબા માટે લાઉડ સ્પીકરની જરૂર નથી : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 30: બૉમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે, દાંડિયા અને ગરબા માટે લાઉડ સ્પીકર તથા ડીજેની કોઈ જરૂર નથી અન્યોને ખલેલ પહોંચાડયા વિના પણ નવરાત્રિ ઉજવી શકાય છે.
ન્યાયાધીશ સુનીલ શુક્રે અને ન્યાયાધીશ ગોવિંદ સનપની બૅન્ચે જણાવ્યું હતું કે, નવ દિવસના આ ઉત્સવ દરમિયાન જો ભક્તને પરેશાની થાય કે ભક્ત અન્યોને પરેશાન કરતો હોય તો દેવીની પૂજા કરી શકાય નહીં. બૅન્ચે જણાવ્યું હતું કે, દાંડિયા અને ગરબા એક ધાર્મિક ઉત્સવનો આંતરિક ભાગ હોવાથી હજી પણ વિશુદ્ધ રીતે અને પરંપરાગત રીતે આ ઉત્સવને ઉજવી શકાય છે. જેમાં લાઉડ સ્પીકર અને ડીજેનો અવાજ અને અન્ય આધુનિક ઉપકરણો ન હોય. કોર્ટ એક અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ધ્વનિ પ્રદૂષણ નિયમ 2000 હેઠળ રમતના એક મેદાન પર ચાલતી નવરાત્રિની સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવાની માંગણી કરવામાં આવી હતી. જે વિસ્તારને સાયલન્સ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
કોર્ટે તેના ચુકાદામાં નવરાત્રિ દરમિયાન પૂજાનું મહત્ત્વ સમજાવ્યું હતું અને પોતાની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, નવરાત્રિ સુધી જે પૂજા કરાય છે તે શક્તિનું એક રૂપ છે. શક્તિની દેવીની પૂજા ત્યારે પ્રભાવિત થાય છે, જ્યારે કોઈ પણ જાતા હિચકિચાટ વિના અને મનની અશાંતિ વિના કરવામાં આવે. જેનાથી અન્યોને પણ કોઈ પરેશાની ન થાય. સાચો ભક્ત અન્યોને પરેશાન કર્યા વિના દેવીની પૂજા કરવા ઈચ્છતો હોય છે. એવું નિરીક્ષણ કોર્ટે કર્યું હતું.
એટલે બૅન્ચે આયોજકોને દાંડિયા-ગરબાની પરવાનગી આપી, પરંતુ સાઉન્ડ સિસ્ટમ કે ડીજે સિસ્ટમનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી હતી.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust