ખડગે વિરુદ્ધ થરૂર : કોનું પલડું ભારે?

નવી દિલ્હી, તા. 30 : કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેની એન્ટ્રીથી ચૂંટણી રસપ્રદ બની છે. ખડગે ગાંધી પરિવારના નજીકના નેતાઓમાંથી એક છે. આ વખતે ગાંધી પરિવારમાંથી કોઈ અધ્યક્ષ પદની ચૂંટણી લડી રહ્યું નથી. અધ્યક્ષ પદ માટેની જંગ શશિ થરુર અને ખડગે વચ્ચે થવાની છે. ખડગે ગાંધી પરિવારનો હિસ્સો છે તો શશિ થરુર જી-23 ગ્રુપનો હિસ્સો છે. જે વારંવાર ગાંધી પરિવાર ઉપર સવાલ ઉઠાવે છે. જી-23 ગ્રુપે જ 2019ની ચૂંટણી બાદ નેતૃત્વ પરિવર્તનની માગણી કરી હતી. આ ગ્રુપમાં કપિલ સિબલ અને ગુલામ નબી આઝાદ જેવા નેતાઓ પક્ષ છોડી ચૂક્યા છે. ખડગે અને થરુર બન્ને છાત્ર જીવનથી રાજનીતિમાં છે. જો કે ખડગે રાજકીય અનુભવમાં આગળ છે. તેમની પાસે 45 વર્ષથી વધુનો અનુભવ છે. જ્યારે થરુર ડિપ્લોમેટ રહ્યા છે અને ત્રણ દશક સુધી સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને કામ પણ કર્યું છે. 
શરૂઆતી જીવન
ખડગે : 21 જુલાઈ 1942ના કર્ણાટકના બિદરમાં જન્મ. ગુલબર્ગ નૂતન વિદ્યાલયથી અભ્યાસ કર્યો અને સરકારી કોલેજમાંથી લોની ડિગ્રી લીધી છે. વકીલાતની પ્રેક્ટિસ દરમિયાન શ્રમિકોના હક માટે ઘણા મુકદમા લડયા છે. 
થરૂર : 9 માર્ચ 1956ના લંડનમાં જન્મ થયો છે. થરુ બે વર્ષના હતા ત્યારે પરિવાર ભારત આવી ગયો હતો. તેમણે મુંબઈ અને કોલકાતાથી શાળાકીય અભ્યાસ કર્યો છે. દિલ્હીની સેંટ સ્ટીફન કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું અને બાદમાં ત્રણ દશક સુધી  સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા રહ્યા. 
રાજકીય અનુભવ
ખડગે : કોલેજમાં શ્રમિક આંદોલન સાથે જોડાયા. છાત્ર સંઘના મહાસચિવ બન્યા. 1969મા કોંગ્રેસમાં જોડાયા અને બાદમાં ગુલબર્ગ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. 1972મા પહેલી ચૂંટણી લડી અને 8 વખત વિધાયક તેમજ 2 વખત લોકસભા સાંસદ બન્યા છે. અત્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે. 
થરૂર : સંયુક્ત રાષ્ટ્રમાં કામ કર્યા બાદ 2009મા રાજનીતિમાં આવ્યા. 2009મા પહેલી વખત તિરુવનંતપુરમથી લોકસભા ચૂંટણી લડી અને જીત મળી. તેઓ ત્રણ વખત સાંસદ બન્યા છે. અત્યારે આઈટી ઉપર બનેલી સમિતિના અધ્યક્ષ છે.
પરિવાર ખડગે : 13 મે 1968ના રાધાબાઈ સાથે લગ્ન. બન્નેને ત્રણ પુત્રી અને બે પુત્ર છે. એક પુત્ર પ્રિયંક ખડગે કર્ણાટક સરકારમાં મંત્રી છે. 
થરૂર : 1981મા તિલોત્તમા મુખરજી સાથે લગ્ન, 2007મા તલાક. કેનેડીયન ડિપ્લોમેટ ક્રિસ્ટા ગિલ્સ સાથે લગ્ન અને બાદમાં અલગ થયા. 2010મા સુનંદા પુષ્કર સાથે લગ્ન, 2014મા સુનંદા પુષ્કરનું નિધન. 
સંપત્તિ ખડગે : 2019ની ચૂંટણીના એફિડેવિટમાં ખડગેએ 15.77 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. ખડગે ઉપર કોઈ ક્રિમિનલ કેસ દાખલ નથી.
થરૂર : ચૂંટણી સોગંદનામા મુજબ થરુર પાસે 35 કરોડથી વધુની સંપત્તિ છે. તેમના ઉપર બે અપરાધિક કેસ નોંધાયા છે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust