શૅરબજારો ઊછળ્યાં

મુંબઈ, તા. 30 : ભારતીય શૅરબજારમાં સતત સાત દિવસના ઘટાડા બાદ શુક્રવારે બજારમાં રાહતની રૅલી આવી હતી. રિઝર્વ બૅન્કે ભારતીય અર્થતંત્રને વૈશ્વિક આંચકાઓથી બચાવવા માટેની ખાતરી આપતાં સેન્સેક્ષમાં 1000 પૉઇન્ટથી ઉપરનો વધારો થયો હતો અને નિફ્ટીએ 17,000 પૉઇન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી. બજારમાં જે તીવ્ર રૅલી આવી તે કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂા. ચાર લાખ કરોડનો વધારો થયો હતો. બીએસઈમાં લિસ્ટેડ શૅરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂા. 271.97 લાખ કરોડ જેટલું વધ્યું હતું.
બૅન્કિંગ ક્ષેત્રના શૅરોમાં નોંધપાત્ર તેજી રહેતાં બૅન્ક નિફ્ટી 2.6 ટકા વધીને બંધ આવ્યો હતો. શૅરબજાર વધ્યું તેનાં મુખ્ય કારણોમાં ધારણા પ્રમાણે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીએ 50 બેસિસ પૉઇન્ટનો રેપોરેટ વધારીને 5.9 ટકા કર્યો હતો અને વ્યાજદર વધારવાની કઠોર નીતિને જાળવી રાખી હતી.
આ ઉપરાંત ગવર્નરે વિશ્વમાં વધતાં જતાં ભૌગોલિક અને રાજકીય દબાણની દેશના વિકાસ પરની સંભવિત અસરનો નિર્દેશ કરીને જણાવ્યું હતું કે સ્થાનિક પરિસ્થિતિ સુધારાતરફી છે અને ધિરાણની વૃદ્ધિ થઈ રહી છે. તે સાથે રૂપિયા અને બોન્ડની મજબૂતી આવી હતી. રિઝર્વ બૅન્કના નિર્ણય અને રૂપરેખા મુજબ ડૉલરની સામે રૂપિયાનું મૂલ્ય તીવ્રતાથી ઘટયું હતું. ગુરુવારે ડૉલર સામે રૂપિયો ઘટીને 81.86 પર બંધ થયા બાદ શુક્રવારે થોડો સુધરીને 81.58ના સ્તરે ફ્લૅટ જોવા મળ્યો હતો.
રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે ફુગાવો હોવા છતાં તે દેશના વિકાસને જાળવી રાખવા માટે પૂરતાં પગલાં લેશે. રિઝર્વ બૅન્કનો વ્યાજવધારો ધારણા મુજબ હોવાથી સરકારી બોન્ડના ભાવ પણ વધ્યા હતા. ખરેખર જોઈએ તો રિઝર્વ બૅન્ક ફુગાવાના મામલે વધુ આક્રમક લાગતી નથી. જોકે રિઝર્વ બૅન્કે વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવના જોખમનો ઉલ્લેખ કર્યો હતો.
બજારમાં મંદીના સપ્તાહ બાદ યુરોપિયન બજારો વધ્યાં હતાં. અમેરિકન શૅરબજારના વાયદાનાં કામકાજમાં સુધારો જોવા મળ્યો હતો.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust