વિકસતાં શહેરોથી દેશ ગતિમાન : મોદી

વિકસતાં શહેરોથી દેશ ગતિમાન : મોદી
વંદે ભારત ટ્રેનના લોકાર્પણ સાથે મુસાફરી કરતા વડા પ્રધાન
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 30: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વંદેભારત ટ્રેનમાં સવાર થઈને ગાંધીનગરથી અમદાવાદ સુધી મુસાફરી કરી હતી અને ત્યાર બાદ મેટ્રોને લીલીઝંડી આપી હતી. આ બાદ વડા પ્રધાન મોદીએ ગુજરાતની જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 21મી સદીના ભારતને દેશના શહેરોથી નવી ગતિ મળશે એટલુ જ નહી અર્બન કનેક્ટિવિટી માટે અને આત્મનિર્ભર બનતા ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. 
વડા પ્રધાને જણાવ્યું હતું કે, વંદે ભારત એક્સપ્રેસ દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી ટ્રેન છે. તેમણે જણાવ્યું હતું કે  છેલ્લા આઠ વર્ષથી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આટલુ મોટુ રોકાણ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર રેલવે સ્ટેશન દુનિયાના કોઇપણ એરપોર્ટથી કમ નથી, ત્યારે બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની સ્વીકૃતિ આપી દીધી છે. દેશના શહેરોના વિકાસ પર આટલુ મોટુ રોકાણ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે આ શહેરો આગામી 25 વર્ષોમાં વિકસિત ભારતના નિર્માણને સુનિશ્ચિત કરશે. આ શહેરોના હિન્દુસ્તાનને ભાગ્યને ઘડશે.    
આગામી સમયમાં ગુજરાતમાં અનેક ટ્વિન સિટીનો વિકાસ થવાનો છે. ગાંધીનગર-અમદાવાદ, આણંદ-નડિયાદ, ભરૂચ-અંક્લેશ્વર, વલસાડ-વાપી, સુરત-નવસારી, વડોદરા- હાલોલ-કાલોલ, મોરબી-વાંકાનેર આવા અનેક ટ્વિન સિટી ગુજરાતની ઓળખને વધુ મજબૂત કરશે.     
આજે મેટ્રોની 32 કિમી સેકશન પર યાત્રા શરૂ થઇ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં મેટ્રોની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં એક જ સાથે 32 કિમીની યાત્રાનું સૌપ્રથમ વખત લોકાર્પણ થયું છે. ફેઝ 2માં ગાંધીનગરને જોડવામાં આવશે. સાબરમતી રેલવે સ્ટેશનને પણ બુલેટ ટ્રેન માટે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવામાં આવી રહ્યું છે.  
આગામી વર્ષે દેશમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવાવના લક્ષ્ય પર અમે તેજીથી કામ કરીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે વેસ્ટર્ન કોરિડોર, ડેડીકેટે ફ્રેટ કોરિડોર તૈયાર થતા માલગાડીની સ્પીડ વધશે. તેનાથી આપણા ગુજરાતના બંદરો (પોર્ટ્સ) વધુ ઝડપથી કામ કરશે. આપણા માલની નિકાસ થશે. ગુજરાત ઉત્તર ભારત, લેન્ડ લો એરિયાથી નજીક છે તેથી ગુજરાતના સમુદ્રી તટને વધુ ફાયદાની અપેક્ષા છે. સૌરાષ્ટ્ર અને કચ્છને બહુ મોટો ફાયદો થવાનો છે.  
માનાં ચરણોમાં ઊર્જા, પ્રેરણા અને વિશ્વાસ
ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું : વડા પ્રધાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં રૂા. 7200 કરોડનાં વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. ત્યારબાદ અંબાજીમાં જંગી જનસભાને સંબોધતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મા અંબાનાં ચરણોમાં જ્યારે આવીએ છીએ ત્યારે આપણે નવી ઊર્જા, નવી પ્રેરણા, નવો વિશ્વાસ લઇને જઇએ છીએ. મા અંબાના આશીર્વાદથી આપણને આપણા તમામ સંકલ્પોની સિદ્ધિ માટે શક્તિ મળશે, તાકાત મળશે. વિકસિત ભારતનો વિરાટ સંકલ્પ દેશે લીધો છે, ત્યારે 25 વર્ષમાં આપણે હિન્દુસ્તાનને વિકસિત રાષ્ટ્ર બનાવીને રહીશું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય મંત્રી ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. નવરાત્રિના પાવન પર્વ અવસરે ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના નિભાવ માટે મુખ્ય મંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત વડા પ્રધાન મોદીએ પ્રતિકાત્મક રૂપે ગૌ સેવા સંચાલકોને ચેક પણ અર્પણ કર્યા હતા. 
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust