નૂર પર જીએસટી : અદાલતના આદેશ સામે સરકાર સમીક્ષા અરજી નહીં કરે

નવી દિલ્હી, તા. 24 : મોહિત મિનરલ્સ કેસમાં દરિયાઈ નૂરભાડાં પર લાગતો ઈન્ટિગ્રેટેડ ગુડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સ (આઈજીએસટી) રદ કરતાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે સરકાર પુન: સમીક્ષા અરજી કરવાની નથી. સુપ્રીમ કોર્ટે રિવર્સ ચાર્જ મિકેનિઝમ (આરસીએમ) અંતર્ગત સરકાર દરિયાઈ નૂરભાડાં પર જે આઈજીએસટી વેરો લગાડે છે તે ગેરકાયદેસર ઠેરવીને તેને રદબાતલ જાહેર કર્યા છે.
સેન્ટ્રલ બોર્ડ અૉફ ઈન્ડાયરેકટ ટૅક્સીસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) હવે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની સામે રિવ્યૂ પિટિશન નહીં કરે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ કાનૂની લડાઈ પૂરી થઈ છે અને હવે સરકાર આ કાયદામાં સુધારો કરે તો જ આઈજીએસટી વેરો લગાડી શકાય.
આયાત કરેલી ચીજવસ્તુઓ પરના જહાજી નૂર પર આઈજીએસટી વેરો લાગતો હતો ત્યારે આયાતી ચીજવસ્તુની કિંમતમાં તેનો ઉમેરો થતો હતો. હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે આ વેરો લાગશે નહીં અને આ કાનૂની લડાઈનો ઝડપી અંત આવી ગયો છે, એમ આ ક્ષેત્રના નિષ્ણાત સાકેત પટવારીએ જણાવ્યું હતું.
અત્યાર સુધી આયાતકારોએ જે આઈજીએસટી ચૂકવ્યો હોય તેનું રિફંડ માગવું જોઈએ. જોકે તેમણે સાબિત કરવું પડે કે આઈજીએસટીનો બોજો ગ્રાહકો પર નાખ્યો નથી અને સરકાર પાસેથી ઈન્પુટ ટૅક્સ ક્રેડિટ લીધી નથી.
કોઈ આયાતકારે બે વર્ષ પહેલાં આઈજીએસટી વેરો ભર્યો હોય તો તે એક કાનૂની પ્રશ્ન બનશે. આ વેરો વેપારીએ વિરોધ અંતર્ગત (અંડર પ્રોટેસ્ટ) ભર્યો હોય તો સરકાર રિફંડ માટે વિચારી શકે. આ પ્રકારના કિસ્સામાં આયાતકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધાર રાખીને દલીલ કરી શકે કે વેરાની વસૂલાત ગેરકાયદેસર ઠરી છે એટલે તેનું રિફંડ મળવું જોઈએ. પછી ભલે તે વેરો બે વર્ષ પહેલાં ભર્યો હોય એમ પટવારીએ જણાવ્યું હતું.
કરવેરા નિષ્ણાત સુદિપ્તા ભટ્ટાચાર્યાજીએ જણાવ્યું હતું કે સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને નહીં પડકારવાનું નક્કી કર્યું તે બાબત આનંદકારક છે. અત્યાર સુધી તો મોટા ભાગે એવું બન્યું છે કે જ્યારે પણ દેશના કરવેરા ભરતી પ્રજાની તરફેણમાં કોઈ ચુકાદો આવ્યો હોય તો સરકાર તે કાયદામાં જ પાછલી અસરથી અમલમાં આવે તે રીતે સુધારા કરી નાખતી હોય છે.
જે આયાતકારો કોસ્ટ, ઈન્સ્યોરન્સ અને ફ્રેઈટ (સીઆઈએફ) ધોરણે આયાત કરતા હોય તે લોકો માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આશીર્વાદરૂપ છે. તેનાથી કરવેરાની લાંબા ગાળાની ચોક્કસતા આવશે અને વેપારની સરળતા રહેશે.
સુપ્રીમ કોર્ટના આદેશના ઘણા વિસ્તૃત સૂચિતાર્થો છે એમ કાયદા નિષ્ણાત જતીન અરોરાએ જણાવ્યું હતું. સીઆઈએફના ધોરણે કરાતી આયાત એક મિશ્ર વ્યવહાર છે અને જ્યારે તેમાં ફ્રેઈટ (દરિયાઈ નૂરભાડાં) પરનો આઈજીએસટી રદ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે, તો તેની સાથે જ જોડાયેલા અન્ય ખર્ચ અને ઈન્સ્યોરન્સ (વીમા) પર શા માટે આઈજીએસટી વેરા લાગવા જોઈએ. જુદા જુદા એજન્ટો અને સબ-એજન્ટો જ્યારે આ પ્રકારની આયાતના વ્યવહારો કરતા હોય ત્યારે કેસ-ટુ-કેસ ધોરણે તેનું વિગતવાર વિશ્લેષણ થવું જોઈએ એમ જતીન અરોરાએ જણાવ્યું હતું.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust